મુંબઈ – મહારાષ્ટ્રમાં સરકાર રચવામાં ભારતીય જનતા પાર્ટીને સાથ આપવાનું રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અજીત પવારને ઈનામ મળ્યું છે. રૂ. 70 હજાર કરોડની રકમના સિંચાઈ કૌભાંડમાં એમને ક્લીન ચિટ આપવામાં આવી છે.
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધાના 48 કલાકમાં જ અજીત પવારને આ મોટી રાહત મળી છે.
એનસીપીના પ્રમુખ શરદ પવારના ભત્રિજા અજીત પવારને સંડોવતા સિંચાઈ કૌભાંડ કેસમાં તપાસને સત્તાવાર રીતે બંધ કરી દેવામાં આવી છે.
આ કૌભાંડ રૂ. 70 હજાર કરોડનું હોવાનું મનાય છે. રાજ્યમાં જ્યારે કોંગ્રેસ અને એનસીપી જોડાણ યુપીએની સંયુક્ત સરકાર સત્તા પર હતી ત્યારે અનેક સિંચાઈ યોજનાઓને મંજૂરી આપવામાં અને એનો અમલ કરાવવામાં કથિતપણે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો અને ગેરરીતિઓ આચરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે દેવેન્દ્ર ફડણવીસ 2012માં વિધાનસભામાં વિરોધી પક્ષમાં હતા. એ વખતે એમણે જ અજીત પવાર પર સિંચાઈ કૌભાંડનો આરોપ કર્યો હતો. હવે એ બંનેએ આજે મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન તરીકે સોગંદ લઈ લીધા છે. હવે બંને જણ એક જ બાંકડા પર બેઠા છે. આમ, ભાજપ તરફથી અજીતને મોટી રિટર્ન ગિફ્ટ મળી છે.
1999 અને 2014નાં વર્ષો વચ્ચે રાજ્યમાં કોંગ્રેસ-એનસીપીનું રાજ હતું ત્યારે જુદા જુદા સમયે સિંચાઈ વિભાગમાં એનસીપીના અનેક નેતાઓ ચાર્જમાં હતા અને એમાંના એક અજીત પવાર પણ હતા. અજીત ત્યારે યુપીએ સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન હતા.
અજીત પવાર સામેનો કેસ બંધ કરી દેવાના નિર્ણયથી શિવસેના-એનસીપી-કોંગ્રેસ જોડાણને નવું બળ મળશે, જેણે ભાજપ પર એવો આક્ષેપ કર્યો જ છે કે તે અજીત પવારને એમના વિધાનસભ્યોની સાથે પક્ષપલટો કરવા માટે દબાણ કરે છે.
જોકે, મહારાષ્ટ્ર ભ્રષ્ટાચાર-વિરોધી બ્યુરો (એસીબી)ના ડાયરેક્ટર જનરલ પરમબીર સિંહે કહ્યું છે કે મહારાષ્ટ્રમાં સિંચાઈ યોજનાઓ સંબંધિત ફરિયાદો અનુસાર, 3000 જેટલા ટેન્ડરોમાં તપાસ કરવામાં આવી રહી છે. એમાંના 9 કેસની ફાઈલ બંધ કરી દેવામાં આવી છે, પરંતુ આમાંના એકેય કેસને વર્તમાન નાયબ મુખ્ય પ્રધાન અજીત પવાર સાથે સંબંધ નથી.