મુંબઈમાં શિવસેના, NCP, કોંગ્રેસનું શક્તિપ્રદર્શન; 162 MLAs સંગઠિત રહેવાના લીધા શપથ

મુંબઈ – મહારાષ્ટ્રમાં નવી સરકારની રચનાના સંદર્ભમાં હાલ ચાલી રહેલા રાજકીય ડ્રામામાં આજે નવી ગતિવિધિ જોવા મળી છે. સાંતાક્રુઝ ખાતેની ફાઈવ સ્ટાર હોટેલ ગ્રેન્ડ હયાતમાં શિવસેના પાર્ટીએ જોરદાર રીતે શક્તિ પ્રદર્શન કર્યું છે.

આ હોટેલમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અને કોંગ્રેસના જોડાણ, જેને ‘મહા વિકાસ આઘાડી’ નામ આપવામાં આવ્યું છે તેણે એના તમામ વિધાનસભ્યોને મિડિયા હાજર કર્યા છે. આ ઓળખ પરેડનું આયોજન શિવસેનાએ કર્યું છે અને એમાં તેની બંને સહયોગી પાર્ટી સામેલ થઈ છે. આ પ્રસંગે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, એનસીપીના શરદ પવાર, કોંગ્રેસના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ બાળાસાહેબ થોરાત સહિત ત્રણેય પાર્ટીના ટોચના નેતાઓ જેમ કે આદિત્ય ઠાકરે, સુપ્રિયા સુળે, છગન ભુજબળ, અશોક ચવ્હાણ, મલ્લિકાર્જુન ખડગેનો સમાવેશ થાય છે.

આ તમામ વિધાનસભ્યોએ આજના પ્રસંગે શપથ લીધા હતા કે તેઓ સંગઠિત રહેશે.

આ શપથ એનસીપીના જિતેન્દ્ર આવ્હાડે લીધા હતા અને અન્ય તમામ સાથી વિધાનસભ્યોને લેવડાવ્યા હતા.

 

શિવસેના અને તેની સહયોગી પાર્ટીઓનું આ શક્તિ પ્રદર્શન સીધી રીતે મતદારો તથા રાજ્યના ગવર્નર ભગતસિંગ કોશિયારીનું ધ્યાન ખેંચવા માટેનું છે. સૌને એ બતાવવાનું છે કે એમની પાસે સરકાર બનાવવા માટે બહુમતી છે.

288-સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભામાં સરકાર બનાવવા માટે કોઈ પણ એક પક્ષ અથવા પક્ષોના જોડાણ પાસે 145 સભ્યોની બહુમતી હોવી જરૂરી છે.

આ ત્રણ પક્ષોના નવા ચૂંટાયેલા વિધાનસભ્યો હોટેલ ગ્રેન્ડ હયાતમાં હાજર થયા છે.

આ ત્રણેય પક્ષ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે એમના રાજકીય મતભેદો તથા વિચારધારાની તફાવતને ભૂલીને ભેગા થયા છે.

આ ત્રણેય પક્ષ સુપ્રીમ કોર્ટમાં ભારતીય જનતા પાર્ટી સામે કેસ પણ સાથે મળીને જ લડી રહી છે. ભાજપ દ્વારા નિયુક્ત ગવર્નર કોશિયારીએ ગયા શનિવારે ભાજપના વિધાનસભ્ય દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય પ્રધાન તરીકે શપથ અપાવ્યા હતા અને એનસીપીના અજીત પવારને નાયબ મુખ્ય પ્રધાન તરીકેના. રાજ્યપાલે એ પગલું ઉતાવળે અને કામચલાઉ કાર્યક્રમમાં લીધું હતું જેને કારણે તમામ રાજકીય પક્ષોમાં આક્રોશ વ્યાપી ગયો હતો.

હજી ગયા શુક્રવારે જ શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના જોડાણે જાહેરાત કરી હતી કે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે એમના જોડાણના વડા રહેશે અને શનિવારે સવારે ત્રણેય પક્ષ સંયુક્ત પત્રકાર પરિષદમાં મહત્ત્વની જાહેરાતો કરશે. પરંતુ, રાજ્યપાલ કોશિયારીએ સવારે આઠ વાગ્યે જ ફડણવીસ-અજીત પવારનો શપથવિધિ કરાવી દીધો હતો.

અજીત પવારને વ્હીપનો ઉપયોગ કરવાનો અધિકાર આપ્યો નથીઃ શરદ પવાર

શરદ પવારે આ પ્રસંગે પોતાના ભાષણમાં કહ્યું કે, બહુમતી સાબિત કરવા માટે મહાવિકાસ આઘાડી સજ્જ છે. આપણે મહારાષ્ટ્રની જનતા માટે અહીં એકત્રિત થયા છીએ.

પવારે એમ પણ કહ્યું કે મહારાષ્ટ્રમાં બહુમતી વગરની એક સરકારની સ્થાપના કરવામાં આવી છે. ભાજપને બહુમતી નથી તે છતાં એણે સરકાર રચી છે.

અજીત પવારનો ઉલ્લેખ કરીને શરદ પવારે કહ્યું કે અજીતને વ્હીપનો ઉપયોગ કરવાનો કોઈ અધિકાર નથી. આવો અધિકાર અજીત પવારને આપવામાં આવ્યો નથી.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બાળાસાહેબ થોરાતે કહ્યું કે આજે અહીંયા આપણી આટલી મોટી સંખ્યા જોઈને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપી દેવું જોઈએ અને રાજ્યપાલે આપણને સરકાર રચવાનું આમંત્રણ આપવું જોઈએ.

થોરાતે શિવસેનાના નેતા સંજય રાઉતની ઓળખ મેન ઓફ ધ મેચ તરીકે કરી હતી અને એને હાજર તમામ લોકોએ તાળીના ગડગડાટ સાથે વધાવી લીધી હતી.

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પોતાના સંબોધનમાં કહ્યું, આપણી લડાઈ માત્ર સત્તા માટેની નથી, પણ સત્યમેવ જયતે માટે છે. એ લોકો આપણને તોડવાની જેટલી કોશિશ કરશે, આપણે એટલા જ સંગઠિત થઈશું.