મુંબઈઃ અહીંના ઘાટકોપર ઉપનગરના દેબયાન દાસ નામના એક રહેવાસીએ ગયા જુલાઈ મહિનામાં સાઈબર છેતરપિંડીનો શિકાર બનતાં રૂ. 9 લાખ 85 હજારની રકમ ગુમાવી દીધી હતી. પરંતુ, બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ વિસ્તારના પોલીસ સ્ટેશનના સાઈબર નિષ્ણાત જવાનોએ તે નાણાકીય સોદાના ચાર સ્તર સુધી તપાસ કરીને નાણાં ઉચાપતનું પગેરું સફળતાપૂર્વક શોધી કાઢ્યું હતું અને ઠગ લોકોના બેન્ક એકાઉન્ટ્સ થીજાવી દીધા હતા.
34 વર્ષના દાસે એક ટાસ્ક ફ્રોડમાં રૂ. 9.85 લાખ ગુમાવી દીધા હતા. સોશિયલ મીડિયાની પોસ્ટ્સ, યૂટ્યૂબ વીડિયોને લાઈક કરવા કે શેર કરવા કે પ્રોડક્ટ્સ વિશે રીવ્યૂ આપવા જેવા કાર્ય (ટાસ્ક) બજાવવાનું એમને જણાવવામાં આવ્યું હતું. એની સામે એમને પૈસા મળશે એવું એમને જણાવવામાં આવ્યું હતું. એ પછી ઓનલાઈન ઠગ લોકોએ દાસને કહ્યું હતું કે તેઓ એમની સ્કીમમાં પૈસા રોકે જેમાંથી એમને મોટો નફો થશે. દાસે લલચાઈને પૈસા ઈન્વેસ્ટ કર્યા હતા. અંતે એમને માલૂમ પડ્યું હતું કે પોતે છેતરાઈ ગયા છે. એમણે પૈસા પાછા મળશે એવી આશા છોડી દીધી હતી, પણ છેતરપિંડી વિશે ફરિયાદ નોંધાવી તે પછી પોલીસે તરત જ તપાસ આદરી હતી. દાસે ચૂકવેલા નાણાં જે બેન્કોમાં ગયા હતા એ બેન્કો સાથે સાઈબર અધિકારીઓએ સંપર્ક શરૂ કર્યો હતો.
ડેપ્યૂટી પોલીસ કમિશનર (ઝોન-8) દીક્ષિતકુમાર ગેડમ અને સહાયક પોલીસ કમિશનર સુહાસ કાંબળે, સિનિયર ઈન્સ્પેક્ટર રઘુનાથ કદમ, ઈન્સ્પેક્ટર રાજેશ ગવળી, ઈન્સ્પેક્ટર અજય શિરસાગર, સબ-ઈન્સ્પેક્ટર રાજાભાઉ ગરડની બનેલી ટીમે સાઈબર ઠગમાં સંડોવાયેલા આરોપીઓનો પતો લગાવ્યો હતો. બધા સોદાઓના પુરાવા મળ્યા બાદ તેમણે બાન્દ્રાની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં તે રજૂ કર્યા હતા. કોર્ટે આરોપીઓને આદેશ આપ્યો હતો કે તેઓ બધી રકમ પાછી આપી દે. આરોપીઓએ રકમ પરત કરી દીધા બાદ ફરિયાદી દાસને આપી દેવામાં આવી હતી.
દાસનું કહેવું છે કે, લોકોએ સાઈબર ઠગ લોકોથી ખૂબ સંભાળવું જોઈએ. ઓનલાઈન ટાસ્ક જેવી છેતરપિંડીઓમાં ફસાવાથી દૂર રહેવું જોઈએ. સાઈબર ફ્રોડનો ભોગ બન્યા બાદ મોટા ભાગના લોકો પોલીસને જાણ કરતા અચકાતા હોય છે. પરંતુ જો તમે પોલીસ પાસે સાચા સમયે જશો તો તમારા ગુમાયેલા નાણાં તમને પાછાં મળી શકે છે. પછી એ થોડાક મળે કે પૂરેપૂરા મળે.
