મુંબઈઃ પ્રખ્યાત ચિત્રકાર કાનન ખાંટનાં ચિત્રોની સિરીઝ માયાની સિક્વલ માયા– 2નું એક્ઝિબિશન હમણાં મુંબઈની કમલનયન બજાજ આર્ટ ગેલેરીમાં યોજાઈ ગયું. માયા–2માં ભારતની મનમોહક લોકકલા કલમકારી શૈલીથી પ્રેરિત પેઈન્ટિંગ્સ નિહાળીને કલાપ્રેમીઓ મંત્રમુગ્ધ બન્યા હતા અને વિવેચકો તરફથી પણ કાનન ખાંટનાં પેઇન્ટિંગને ઉષ્માભર્યો પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો.
કાનન ખાંટની અદભુત કલાત્મક અને ખૂબ જ વખણાયેલી માયા સિરીઝના ચિત્રોમાં સ્ત્રીત્વ, આધ્યાત્મિકતા અને પૌરાણિક કથાઓની ઝાંખી દર્શાવવામાં આવી છે. રાધા– કૃષ્ણ લીલા, ગણપતિ દર્શન, બુદ્ધ અને માનવ શરીરનાં ચક્રો પર આધારિત ચિત્રોનો માયા સિરીઝ – 2માં સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ આર્ટ એક્ઝિબિશનની ઓપનિંગ સેરેમનીમાં પ્રખ્યાત સેક્સોલોજિસ્ટ પદ્મશ્રી ડોક્ટર પ્રકાશ કોઠારી, મહારાષ્ટ્રમાં શાસક શિવસેનાના રાષ્ટ્રીય પ્રવક્તા કૃષ્ણા હેગડે અને શિવસેનાના ડેપ્યુટી લીડર અનિલ પડવળ, ‘મુંબઈ સમાચાર’ના તંત્રી નીલેશ દવે, જાણીતાં આર્ટિસ્ટ માધવી અડાલજા, પ્રખ્યાત ગાયિકા શ્રદ્ધા શ્રીધરાણી, જાણીતા લોકસાહિત્યકાર ભાગ્યેશ વારા, પ્રોડ્યુસર યોગેશ સંઘવી, ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ દિનેશ પારેખ, કોટક લાઇફ ઇન્સ્યુરન્સનાં ચીફ મેનેજર પાયલ ઠક્કર સહિત જુદાં-જુદાં ક્ષેત્રની જાણીતી વ્યક્તિઓએ હાજરી આપી હતી. આ પ્રસંગે લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં તેમના અભિનયથી છવાઈ ચૂકેલા કલાકારો તન્મય વેકરિયા (બાઘા બોય) અને કિરણ ભટ્ટ (નટુકાકા) પણ ઉપસ્થિત રહ્યા હતા. માયા – 2 સિરીઝના ઉદઘાટન સમારોહનું એન્કરિંગ લોકપ્રિય અભિનેત્રીઓ ફોરમ મહેતા અને લેસ્લી ત્રિપાઠીએ કર્યું હતું.ભારતની ઉત્કૃષ્ટ કલમકારી લોકકલા શૈલી પર આધારિત ચિત્રોનો સમાવેશ માયા અને માયા– 2માં કરવામાં આવ્યો હતો. એ અંગે કાનને કહ્યું હતું કે કલમકારી લોકશૈલી પર આધારિત પેઈન્ટિંગ્સ બનાવી તેનું પ્રદર્શન કરવું એ ભારતના ભુલાઈ ગયેલા કારીગરો, ખાસ કરીને મહિલા કારીગરોને સન્માનિત કરવા માટેનો વિનમ્ર પ્રયાસ છે. ખાસ કરીને એવી મહિલાઓને આ પ્રદર્શન સમર્પિત છે કે જેમણે તેમનો લોકકલાનો વારસો જાળવીને સાચવી રાખ્યો છે.