મુંબઈઃ પાલઘરમાં સ્કૂલ બસ ઝાડ સાથે અથડાઈઃ 19 વિદ્યાર્થીને ઈજા; પાંચની હાલત ગંભીર

પાલઘર – મુંબઈની પડોશમાં આવેલા પાલઘર જિલ્લાના પાલઘર શહેરમાં આજે એક સ્કૂલ બસને અકસ્માત નડતાં 19 વિદ્યાર્થી ઘાયલ થયાં હતાં. એમાંના ચાર વિદ્યાર્થી અને બસ ડ્રાઈવરની હાલત ગંભીર છે.

ડ્રાઈવર સ્ટીયરિંગ પરનો અંકુશ ખોઈ બેસતાં સ્કૂલ બસ એક ઝાડ સાથે અથડાઈ હતી. બસ સર જે.પી. ઈન્ટરનેશનલ સ્કૂલની હતી. તમામ વિદ્યાર્થીઓ પ્રી-પ્રાયમરી વિભાગનાં હતાં.

અકસ્માત નડ્યો ત્યારે બસમાં 20 જેટલા વિદ્યાર્થીઓ હતાં.

બસને માહિમ-પાલઘર રોડ પર અકસ્માત નડ્યો હતો. તે રસ્તો સાંકડો હતો અને ત્યાં વાહનો તથા લોકોની અવરજવર સતત રહેતી હોય છે.

ડ્રાઈવરે પોલીસને એમ કહ્યું હોવાનું મનાય છે કે બસનું એક ટાયર ફાટતાં બસ અંકુશબહાર જતી રહી હતી.

અકસ્માતમાં બસનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

અમુક મહિના પૂર્વે સ્કૂલની છ-પૈડાંવાળી એક બસને એક પૈડું ખરાબ હોવા છતાં પાંચ પૈડાં પર દોડાવવામાં આવી હતી. તે છતાં શાળાના સંચાલકોએ એની પ્રત્યે દુર્લક્ષ સેવ્યું હતું એવો વાલીઓએ આરોપ મૂક્યો હતો.