મુંબઈઃ જાણીતા ગુજરાતી કવિ, શાયર, સંગીત મર્મજ્ઞ લલિતભાઈ વર્માનું નિધન

મુંબઈ – જાણીતા ગુજરાતી કવિ, શાયર અને સંગીતનાં સમીક્ષક લલિતભાઈનું વર્માનું અહીં હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું છે. એ અહીં અંધેરીસ્થિત ભવન્સ કલ્ચરલ સેન્ટર સંસ્થાની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે અનેક વર્ષોથી સંકળાયેલા હતા.

ભવન્સ-અંધેરી સંસ્થાનાં દરેક કાર્યક્રમ વખતે કાર્યક્રમની શરૂઆતમાં તેમજ કાર્યક્રમને અંતે તેઓ આભારવિધિ વ્યક્ત કરતા હતા. સંસ્થાના માનદ સંયોજક તરીકે એ સેન્ટરની સ્થાપનાથી જ કાર્યરત રહ્યા હતા. ગઈ કાલે મોડી સાંજે એમને સંસ્થાની ઓફિસમાં જ હાર્ટ એટેક આવ્યો હતો અને અવસાન પામ્યા હતા.

લલિત વર્માનો ‘ચિત્રલેખા’ સાથે પણ નાતો રહ્યો હતો. બે વર્ષ અગાઉ ‘ચિત્રલેખા’એ પ્રકાશિત કરેલા ૬૭મા વાર્ષિક વિશેષાંક સાથેની વિશેષ પૂર્તિ ‘૫૧ ગૌરવવંતા ગુજરાતી’ની યાદીમાં લલિત વર્માનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

ઈશ્વર લલિતભાઈ વર્માના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.