જેમની આવક પાંચ લાખ રૂપિયાથી વધુ હશે એને તો આવકવેરો યથાવત્ રહેશે: સ્નેહલ મઝુમદાર

મુંબઈ – ઈન્ટરિમ બજેટ વિશે પોતાનો પ્રતિભાવ આપતા જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સ્નેહલ મઝુમદારે કહ્યું છે કે, જેમ ગૌતમ બુદ્ધે મધ્યમ માર્ગનું મહત્ત્વ દર્શાવેલું એમ જ્યારે લોકસભાની ચૂંટણીની આહટ સંભળાઈ રહી હોય ત્યારે મધ્યમ વર્ગનું મહત્ત્વ પણ વધી જાય છે અને માટે આવકવેરામાં મધ્યમ વર્ગ માટે કેટલીક રાહતો સૂચવવામાં આવી છે, જે આટલા વર્ષોમાં રૂપિયાના થયેલા ધોવાણને ધ્યાનમાં લઈએ તો આવકારપાત્ર છે જ. આવકવેરા ધારા હેઠળ લઘુત્તમ આવકની મુક્તિ મર્યાદા વધારવા આવી નથી, પરંતુ પાંચ લાખ રૂપિયા સુધી કરપાત્ર આવક હોય એવા કરદાતાની આવક પરનો આવકવેરો રિબેટ રૂપે માફ કરવામાં આવ્યો છે.

 

જો કે અહીં સ્નેહલભાઈ સ્પષ્ટતા કરતા જણાવે છે કે જેમની આવક પાંચ લાખ રૂપિયાથી વધુ હશે એમને તો આવકવેરો યથાવત્ રહેશે. જેથી આ માટે એવા કરદાતાઓએ હરખપદુડા થઈ જવાની જરૂર નથી. જો કે બીજીબાજુ પગાર પરનું સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારીને પચાસ હજાર રૂપિયા કરવામાં આવ્યું છે અને વિશેષ તો એક ઘર વેચીને બીજા બે ઘર લેવાય તો અમુક શરતોને અને મર્યાદાને આધીન કેપિટલ ગેઈન વેરામાં લાભ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત હવે બે ઘર-મિલકત પર નોશનલ (અંદાજીત) આવક ગણીને આવકવેરો લાગશે નહીં, જે લાભદાયક રહેશે.

સૌથી આવકારવા લાયક પગલું તો ઈલેક્ટ્રોનિક તપાસણી અને આકારણીના કદમની સરાહના કરતાં સ્નેહલ મઝુમદારે જણાવ્યું છે કે આને કારણે આવકવેરા વિભાગની પર્સનલ મુલાકાત નહીવત્ થઈ જશે અને એટલે અંશે લાંચરૂશ્વત પણ કાબુમાં રહેશે. 24 કલાકમાં રિફન્ડ મેળવવાનું વચન પાળવામાં આવે તો કરદાતાએ લમણે હાથ મૂકીને ગાવું ન પડે કે, આવન કહ ગયે, અજહૂં ન આયે.