મુંબઈ: ઝરૂખો પ્લસ અને ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ વિકાસ સમાજ (મુંબઈ, બાવન વિભાગ )દ્વારા ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સાઇબર સુરક્ષા’ વિષય પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને સારો પ્રતિસાદ મળ્યો હતો.
કાર્યક્રમની ભૂમિકા બાંધતાં ટેકનોલોજી નિષ્ણાત હિતેશ શુક્લએ જણાવ્યું કે ટેકનોલોજી એ ટૂલ પણ છે અને વેપન પણ છે ( સાધન પણ છે અને હથિયાર પણ છે). ટેકનોલોજીએ ફક્ત જીવન સરળ નથી બનાવ્યું પણ સપનાંઓને ઊંચાઈ આપી છે. વિજ્ઞાન, મનુષ્યના સ્વપ્નને સાકાર કરવાનું સાધન છે પણ એ સ્વપ્નને સાચી દિશા આપવાની જવાબદારી માનવની છે .
સમય સાથે ટેકનોલોજી બદલાય છે. પેજર, mp3, CD જેવાં ગેજેટ ખોવાઈ ગયાં અને નવી ટેકનોલોજી આવી જેણે માનવના જીવનને સરળ બનાવ્યું છે. અન્ય વસ્તુઓ જ્યારે ઇન્ટરનેટ સાથે જોડાય એને આઇ.ઓ.ટી. (IOT) કહેવાય. દાખલા તરીકે કાર, એસી વગેરે ઈન્ટરનેટથી સૂચના મેળવે છે.
બીજા વક્તા ટેકનોલોજીના નિષ્ણાત જયેશ પાઠકે પણ પોતાની રસપ્રદ શૈલીમાં શ્રોતાઓ સાથે વાત કરી. એમણે કહ્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સામાન્ય માણસ માટે છે. ગુગલ મેપ પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે જે આપણે બધાં વાપરીએ છીએ. એ.આઈ.( AI) બધાંની જોબ લઈ લેશે એવો ભય રાખવાની જરૂર નથી. એ.આઈ.માંથી જ્ઞાન મળશે પણ દરેક વખતે સાચું જ્ઞાન મળે એ જરૂરી નથી. વ્યક્તિએ એનું એનાલિસિસ કરવું પડે છે, માહિતીને ચકાસવી પડે છે.
Chatgpt, Gemini, Proplexity, Microsoft copilot, Google Lens આ બધા ટુલ સામાન્ય વ્યક્તિ પણ વાપરી શકે છે. Chatgptને મુદ્દારૂપે માહિતી આપો તો એક લેખ બનાવીને આપશે. નિબંધ લખવો હોય અને મુદ્દાઓ આપો તો એ આખો નિબંધ પણ લખી આપે. તમે જેમ એને વાપરતા જાવ એમ એની પાસેથી કઈ રીતના ઉપયોગ લઈ શકાય એની સમજ પડતી જાય છે.
ટેકનોલોજીના તજજ્ઞ એવા ત્રીજા વક્તા હિતેશ પાઠકે સાયબર ગુનાઓ વિશે સરળ ભાષામાં વાત કરી. એમણે જણાવ્યું કે એટેકર રિસર્ચ કરે છે કે તમારા મોબાઇલમાં કે લેપટોપમાં એન્ટિવાયરસ છે કે નહીં. ઘણા સમય સુધી એના પર, તમારા નબળા પાસવર્ડ પર અભ્યાસ કર્યા બાદ એ હુમલો કરે છે. આપણે બૅકમાં મોબાઈલ નંબર, એડ્રેસ વગેરે અપડેટ કરી રાખવા જોઈએ. Captcha એ સલામતી માટે છે, સેફ્ટી ફીચર છે, એનાથી અકળાવું ન જોઈએ એવું એમણે જણાવ્યું.
ડિજિટલ એરેસ્ટ જેવા કિસ્સાઓ મોટી ઉંમરની વ્યક્તિઓ સાથે વધુ બને છે જેને ટેકનોલોજીની વધુ જાણકારી નથી હોતી. વિડિયો ફોન કરીને હુમલાખોરો સ્ક્રીન પર પોલીસ, વકીલ વગેરે દેખાડે છે એટલે સિનિયર સિટીઝન સમજે છે કે આ બધું સાચું છે! એ પોતાની જગ્યા પરથી હલતા નથી અને નથી કોઈને જણાવતા. એથી સામેવાળાના ટ્રેપમાં ફસાઈ જાય છે. જ્યારે પણ તમને સામેવાળી વ્યક્તિ પર શંકા પડે તો ફોન બંધ કરીને બેસી જવું વધુ સલામત છે. પાસવર્ડ આવ્યો હોય તો કોઈ પણ અજાણી વ્યક્તિને આપવાની જરૂર નથી પછી ભલે એ બેંકની વ્યક્તિ તરીકે ઓળખાણ આપતી હોય.
જૂના સોફ્ટવેર અપડેટ ન થયા હોય તો પણ એટેકર એના પર હુમલો કરી શકે છે. એટલે સોફ્ટવેર અપડેટ કરતા રહેવા. હવે બેંકોની વેબસાઈટ ડોટ ઇનવાળી છે જે ભરોસાવાળી છે. સામાન્ય વ્યક્તિએ જોવું જોઈએ કે જે વેબસાઈટ પર એ જાય છે એ સલામત છે કે ફ્રોડ વેબસાઈટ છે. વ્યક્તિએ એસ.એમ.એસ. કે ઇમેલ દ્વારા મળતી કોઈ પણ અજાણી લિંકને ક્લિક કરીને ખોલવી ન જોઈએ. અજાણી લિંક ક્લિક કરવાથી ફોન હેક થઈ શકે છે અને તમારા બેંક ખાતામાંથી પૈસા પણ જઈ શકે છે .
આ ઉપરાંત હિતેશ પાઠકે એથિકલ હેકર પોલીસને કઈ રીતે મદદરૂપ થાય છે એની વાત કરી. એથિકલ હેકર પણ ફોન કઈ રીતે હેક થાય એ શીખ્યા હોય છે, પરંતુ એ સમાજના ભલા માટે અને ગુનેગારને પકડવા માટે પોતાની જાણકારીનો ઉપયોગ કરે છે.
શ્રી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજ ( બાવન વિભાગ, મુંબઈ)ના પ્રમુખ જયેશભાઈ શુક્લ, ઉપપ્રમુખ પ્રહલાદભાઈ શુક્લ, મંત્રી મુકેશભાઈ મહેતા, ટ્રસ્ટી વાસુદેવભાઈ ભટ્ટે તથા સાઈલીલા વૅલ્ફેર ટ્રસ્ટના ટ્રસ્ટી યોગેન્દ્રભાઈ રાવલે ત્રણેય વિદ્વાન વક્તાઓનું તથા સંજય પંડ્યાનું મેમેન્ટોથી સ્વાગત કર્યું હતું. નાનું પણ સુંદર સ્વાગત વક્તવ્ય મુકેશભાઈ મહેતાએ આપ્યું હતું અને આભાર વિધિ પ્રહલાદભાઈ શુક્લએ સંભાળી હતી. પત્રકાર વિનોદ પટેલ, બૅંકર જાગૃતિ શુકલ , શિક્ષણ ક્ષેત્રના કમલેશ મહેતા તથા કેટલાક IT ઍન્જિનિયર્સ અને સાઈલીલા વૅલ્ફેર ટ્રસ્ટના ટ્રસ્ટી બિપીનભાઈ પણ શ્રોતાગણમાં હતાં.




