મુંબઈ: ધોધમાર વરસાદ વચ્ચે ગેટ વે ઓફ ઈન્ડિયા પાસે ઉછળ્યાં મોજા

મુંબઈ: મહારાષ્ટ્રમાં સતત વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે લોકોનું જીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. આની વચ્ચે મુંબઈના તટ પર સમુદ્રમાં હાઈટાઈડની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. હવામાન વિભાગે જણાવ્યું હતું કે સમુદ્રમાં ઉછળતાં મોજાની ઊંચાઈ આશરે 4.40 મીટર સુધી ઊંચી પહોંચી શકે છે.

હવામાન વિભાગે બપોરે 2 વાગે હાઈ ટાઈડની સંભાવના વ્યક્ત કરી હતી. આગાહી મુજબ 3.78 મીટર સુધી ઊંચા મોજા ઉછળવાની શક્યતા હતી. એ પ્રમાણે ગેટ વે ઓફ ઈન્ડિયા પર હાઈ ટાઈડ જોવા મળી હતી.

સોમવારે રાતે લો ટાઈડની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. આ દરમિયાન સમુદ્રના મોજાઓની ઊંચાઈ 1.64 રહેશે તેવું જણાવવામાં આવ્યું હતું. હવામાન વિભાગ અનુસાર મંગળવારે સવારે પણ લો ટાઈડની સંભાવના હતી. આ દરમિયાન દરિયાના મોજા 0.96 રહેશે તેવું જણાવવામાં આવ્યું હતું.

મુંબઈમાં દરેક જગ્યાએ વરસાદની સમસ્યા જોવા મળી રહી છે. દરમિયાન મુંબઈ-નાસિક હાઈવે પર ફરી જામ છે. વાશિંદ અને આસનગાંવ વિસ્તાર વચ્ચે હાઈવે પર ટ્રાફિક જામ છે. એક કિલોમીટર સુધી વાહનોની કતારો લાગી હતી. વરસાદને કારણે ફ્લાયઓવર અને રેલ્વે બ્રિજ પર ચાલી રહેલા કામના કારણે ટ્રાફિકને અસર થઈ છે.

મુંબઈ, થાણે, નવી મુંબઈ, પનવેલ તેમજ રત્નાગીરી-સિંધુદુર્ગના ગ્રામીણ વિસ્તારોમાં શાળાઓ અને કોલેજો મંગળવારે બંધ રહેશે, કારણ કે ભારતીય હવામાન વિભાગે આ વિસ્તારો માટે વરસાદને લઈને ‘રેડ એલર્ટ’ જાહેર કર્યું છે. એક અધિકારીએ આ માહિતી આપી.

અધિકારીએ કહ્યું કે આ નિર્ણય પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તેમજ જુનિયર અને સિનિયર કોલેજોને લાગુ પડશે. પુણે જિલ્લાના ભાગોમાં ભારે વરસાદ વચ્ચે સ્થાનિક વહીવટીતંત્રે મંગળવારે તમામ શાળાઓ અને જુનિયર કૉલેજના વિદ્યાર્થીઓ (વર્ગ 12 સુધી) માટે રજા જાહેર કરી હતી. વહીવટીતંત્રે આ સંદર્ભમાં એક નિવેદન બહાર પાડ્યું છે કે જો કે, તમામ આચાર્યો, શિક્ષકો અને બિન-શિક્ષણ કર્મચારીઓએ ફરજ માટે જાણ કરવી પડશે અને આપત્તિ વ્યવસ્થાપનની કામગીરી હાથ ધરવી પડશે.

મુંબઈમાં લોકલ ટ્રાફિક હવે સામાન્ય થઈ રહ્યો છે. થાણેથી કલ્યાણ સુધીની ધીમી લોકલને સરળ બનાવવામાં આવી છે, પરંતુ ફાસ્ટ લોકલ 15થી 20 મિનિટ મોડી ચાલી રહી છે. થાણેથી ઉપડતી કર્જત, કસારા ટ્રેનો રદ કરવામાં આવી રહી છે. જેથી સાંજના સમયે કામ પરથી ઘરે પરત ફરતી વખતે પણ શ્રમજીવી વર્ગને અસર થઈ હોવાનું જણાય છે. થાણેમાં પ્લેટફોર્મ નંબર 1 પર પાણી ભરાવાને કારણે સીએસટી જતી ટ્રેનોને પ્લેટફોર્મ નંબર 4 પર ડાયવર્ટ કરવામાં આવી રહી છે.