મુંબઈ: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકીનો મામલો સામે આવ્યો છે. આ ધમકી ફોન પર આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ, મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલ રૂમમાં ધમકીભર્યો કોલ આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપી છે. ધમકીભર્યા કોલ બાદ પોલીસ એલર્ટ મોડ પર છે અને મામલાની તપાસ કરી રહી છે.
‘આખી યોજના બની ગઈ છે’: ધમકી આપનાર
અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, ફોન કરનારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપી હતી અને કહ્યું હતું કે આખો પ્લાન બની ગયો છે. હાલ મુંબઈ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને આરોપીની શોધ કરવામાં આવી રહી છે અને તમામ પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે.
માનસિક રીતે અસ્વસ્થ મહિલાની ઓળખ થઈ
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આરોપીની ઓળખ કરી લેવામાં આવી છે. આ મામલે મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધીને એક મહિલાની ઓળખ કરવામાં આવી છે. પોલીસે કહ્યું છે કે ધરપકડની પ્રક્રિયા ટૂંક સમયમાં પૂરી કરવામાં આવશે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, મહિલા માનસિક રીતે અસ્વસ્થ છે. જો કે હાલ આ મામલે તમામ પ્રોટોકોલ મુજબ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.