MP: ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકર પર પ્રતિબંધ, મોહન સરકારનો નિર્ણય

MPમાં લાઉડ સ્પીકર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મોહન યાદવે સીએમ બનતાની સાથે જ પહેલો મોટો નિર્ણય લીધો છે. સીએમ બન્યા બાદ તેમણે પહેલો આદેશ જારી કરીને લાઉડ સ્પીકર પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ આદેશ અનુસાર ધાર્મિક અને જાહેર સ્થળોએ લાઉડ સ્પીકર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ આદેશ માટે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન ટાંકવામાં આવી છે.

પૂજા અર્ચના કર્યા બાદ મુખ્યમંત્રીએ ચાર્જ સંભાળ્યો

તમને જણાવી દઈએ કે સીએમ ડો. મોહન યાદવે બુધવારે જ મંત્રાલય સ્થિત મુખ્યમંત્રીના રૂમમાં વિધિવત પૂજા કર્યા બાદ ચાર્જ સંભાળ્યો હતો. ચાર્જ સંભાળતાની સાથે જ તેમણે પહેલો આદેશ આપી દીધો છે. આ આદેશ હેઠળ રાજ્યમાં લાઉડ સ્પીકર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સરકાર દ્વારા જારી કરાયેલા આદેશની નકલ પણ સામે આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, નિર્ધારિત ડેસિબલનું ઉલ્લંઘન કરીને વિવિધ ધાર્મિક સ્થળોએ લાઉડસ્પીકરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ઘોંઘાટ વ્યક્તિની કામ કરવાની, આરામ કરવાની અને ઊંઘવાની ક્ષમતામાં દખલ કરે છે. ઘોંઘાટીયા વાતાવરણને કારણે શરીરમાં હાઈ બીપી, બેચેની, માનસિક તણાવ, અનિદ્રા જેવી અસરો જોવા મળે છે. તેનાથી કાનના અંદરના ભાગમાં પણ સમસ્યા થાય છે. વધુમાં લખવામાં આવ્યું છે કે આ સંબંધમાં સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણય હેઠળ ખાનગી રહેઠાણોમાં પણ લાઉડ સ્પીકર અને હોર્નના ઉપયોગ અંગે વ્યાપક માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.

મોહન યાદવ ઉજ્જૈન દક્ષિણના ધારાસભ્ય છે

મોહન યાદવ ઉજ્જૈન દક્ષિણના ધારાસભ્ય છે. તેઓ સંઘના નજીકના ગણાય છે. શિવરાજ સરકારમાં તેઓ ઉચ્ચ શિક્ષણ મંત્રી હતા. તેઓ 2013માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. આ પછી, 2018 માં, તેઓ બીજી વખત ઉજ્જૈન દક્ષિણ બેઠક પરથી ચૂંટણી જીત્યા. માર્ચ 2020માં શિવરાજ સરકારની પુનઃ રચના બાદ જુલાઈમાં તેમને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતા. 2 જુલાઈ, 2020 ના રોજ શિવરાજ સિંહ ચૌહાણ કેબિનેટમાં મંત્રી તરીકે શપથ લીધા પછી, રાજ્યના રાજકારણમાં તેમનું કદ વધ્યું. તેમનો જન્મ 25 માર્ચ 1965ના રોજ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં થયો હતો. તેઓ ઘણા વર્ષોથી ભાજપ સાથે હતા. આ સાથે તેઓ સતત ત્રીજી વખત ધારાસભ્ય બન્યા. ભાજપના મોહન યાદવે ઉજ્જૈન દક્ષિણ બેઠક પરથી કોંગ્રેસના ચેતન પ્રેમ નારાયણને 12941 મતોથી હરાવ્યા હતા.