મુંબઈ: અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બાંધકામ સ્થળો પર કામદારોની સલામતી સુનિશ્ચિત કરવા માટે જાગૃતિ અભિયાનના ભાગરૂપે, NHSRCLએ સમગ્ર કોરિડોર સાથે 100 વિવિધ વર્ક સ્પોટ પર ‘પ્રયાસ’ નામના શેરી નાટકનું પ્રથમ સત્ર પૂર્ણ કર્યું છે. મુંબઈ બુલેટ ટ્રેન સ્ટેશનથી અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન સુધીના શેરી નાટકો દરમિયાન 6000થી વધુ કામદારો-શ્રમિકોને શિક્ષિત કરવામાં આવ્યા હતા.આ નુક્કડ નાટકના આયોજનનો ઉદ્દેશ્ય કામદારોને બાંધકામ સ્થળો પર સલામતીના મહત્વ વિશે આકર્ષક રીતે જાગૃત કરવાનો અને શિક્ષિત કરવાનો હતો. શેરી નાટકમાં મુખ્ય સુરક્ષા વિષયો જેમ કે સાધનોનો યોગ્ય ઉપયોગ, સલામતી માર્ગદર્શિકાઓનું પાલન, કટોકટી સમયે શું કરવું અને કામના સ્થળે સલામત વાતાવરણ જાળવવાનું મહત્વને આવરી લેવામાં આવ્યા હતા.
NHSRCLના મેનેજિંગ ડિરેક્ટર વિવેક કુમાર ગુપ્તાએ જણાવ્યું કે, “અમારી બાંધકામ સાઇટ્સ દરરોજ હજારો કુશળ અને અકુશળ કામદારોના પ્રયત્નોની સાક્ષી છે. આ ઝુંબેશ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વર્કફોર્સમાં સલામતીની મજબૂત સંસ્કૃતિ કેળવવાનું કામ કરે છે.”