નવી દિલ્હીઃ દિલ્હીની અનેક સ્કૂલોને ફરી એક વાર બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. બુધવાર સવારથી રાષ્ટ્રીય રાજધાનીમાં 50થી વધુ શાળાઓને બોમ્બની ધમકીભર્યા ઇમેઇલ મળ્યા છે. એ સાથે જ આતંકવાદી જૂથ દ્વારા 25,000 અમેરિકન ડોલરની માગ પણ કરવામાં આવી છે.
દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ આતંકવાદી 111ના એક જૂથે ડી.એ.વી. પબ્લિક સ્કૂલ, ફેથ એકેડમી, દૂન પબ્લિક સ્કૂલ, સર્વોદય વિદ્યાલય સહિત ઘણી શાળાઓને ઇમેઇલ મોકલી 25,000 અમેરિકન ડોલરની માગ કરી હતી. આ જ જૂથે 18 ઓગસ્ટે અનેક બોમ્બની ધમકીઓ મોકલ્યા બાદ ક્રિપ્ટોકરન્સી દ્વારા 5000 અમેરિકન ડોલરની માગ કરી હતી.
દિલ્હીમાં નજફગઢ અને માલવિયાનગરની સ્કૂલ સહિત કુલ 50 સ્કૂલનો સમાવેશ થાય છે, જેને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ધમકી મળતાં જ દિલ્હી પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને પોલીસ ડોગ સ્ક્વોડની ટીમ, બોમ્બ ડિસ્પોઝલ ટીમ અને ફાયર બ્રિગેડને લઈને અલગ-અલગ સ્કૂલોમાં પહોંચી ગઈ છે. આ સ્કૂલોમાં માલવિયાનગરનું SKV સ્કૂલ અને પ્રસાદનગરની આંધ્રા સ્કૂલ પણ સામેલ છે. હજી સુધી તમામ સ્કૂલની યાદી સામે આવી નથી.
હજી સુધી કંઈ સંદિગ્ધ મળ્યું નથી
જોકે પોલીસને કોઈ પણ સ્કૂલમાં કંઈ સંદિગ્ધ વસ્તુ મળી નથી. પોલીસ હજી પણ આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે. આ પહેલાં એટલે કે 18 ઓગસ્ટે પણ દ્વારકાના DPS સહિત ત્રણ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. એ ધમકી પણ મેઈલ દ્વારા જ આપવામાં આવી હતી. તે પહેલાં એટલે કે 15 ઓગસ્ટે દ્વારકાના સેન્ટ થોમસ સ્કૂલ અને દિલ્હી યુનિવર્સિટીના સેન્ટ સ્ટીફન્સ કોલેજને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી.
