નવી દિલ્હીઃ ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે લાંબા સમયથી અપેક્ષિત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર સંમતિ થઈ ગઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આ સમજૂતીની જાહેરાત કરી હતી. વડા પ્રધાને કહ્યું હતું કે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે થયેલો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ વ્યાપક આર્થિક લાભ કરાવશે. તેમણે તેને ‘મધર ઓફ ઓલ ડીલ્સ’ (Mother Of All Deals) ગણાવી હતી અને વિશ્વનાં બે સૌથી મોટાં અર્થતંત્રો વચ્ચેની ઐતિહાસિક ભાગીદારી ગણાવી હતી.
આ સમજૂતી પર સત્તાવાર હસ્તાક્ષર અંદાજે છ મહિના બાદ થશે, કારણ કે તેના લખાણને પહેલાં કાનૂની સમીક્ષા (લીગલ સ્ક્રબિંગ)માંથી પસાર થવું પડશે. ત્યાર બાદ આ ડીલ 2027થી અમલમાં આવશે.ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કેમ છે ‘મધર ઓફ ઓલ ડીલ્સ’
આ સમજૂતી વૈશ્વિક GDPના 25 ટકા અને વૈશ્વિક વેપારના એક તૃતીયાંશનું પ્રતિનિધિત્વ કરે છે. વડા પ્રધાન મોદીએ ઇન્ડિયા એનર્જી વીક દરમિયાન જણાવ્યું કે આ વેપાર કરાર તેલ અને ગેસ ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં રોકાણ લાવશે. તેમણે કહ્યું હતું કે આ દાયકાના અંત સુધીમાં તેલ અને ગેસ ક્ષેત્રમાં 100 અબજ ડોલરનું મૂડીરોકાણ લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
‘Mother of all deals’: A perfect example of partnership between two major economies| India-EU Free Trade Agreement@DoC_GoI @RajeshAgrawal94 @professorjoshi @vonderleyen @EU_Commission #IndiaEUFTA #IndiaEUTrade #IndiaEU #FTA #IndiaTrade #IndiaEUtradedeal #TradeDeal #IIFT pic.twitter.com/aWNNuDUTJp
— Indian Institute of Foreign Trade(IIFT) (@iift_official) January 27, 2026
તેમણે વધુમાં કહ્યું હતું કે ભારત–EU વેપાર સમજૂતી અમારા સંયુક્ત લોકશાહી મૂલ્યો અને કાયદાના શાસન પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. તેમણે ઉમેર્યું હતું કે આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ યુરોપિયન યુનિયન સાથે બ્રિટન અને EFTA સાથે થયેલા કરારોને પણ પૂરક સાબિત થશે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ભારત–EU ટેક્નોલોજી અને ડિફેન્સ ડીલ જટિલ વૈશ્વિક પરિસ્થિતિમાં બંને પક્ષોને નજીક લાવે છે.
India-EU FTA કેમ મહત્વપૂર્ણ છે?
આ વેપાર સમજૂતી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે બંને અર્થતંત્રો સાથે મળીને લગભગ બે અબજ લોકો જોડાયેલા છે. આ ડીલનો હેતુ એવા સમયમાં ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે વેપારને પ્રોત્સાહન આપવાનો છે જ્યારે અમેરિકન ટેરિફને કારણે વૈશ્વિક વેપાર પર દબાણ છે.
હાલમાં અમેરિકા દ્વારા ભારત પર 50 ટકા ટેરિફ લગાવવામાં આવ્યો છે. FTA અમલમાં આવ્યા બાદ ભારતીય નિકાસકારોને તેમના શિપમેન્ટ અલગ-અલગ દેશોમાં મોકલવાના વધુ વિકલ્પ મળશે અને ચીન પરની નિર્ભરતા પણ ઘટશે. આવી પરિસ્થિતિમાં આ ડીલ ભારત માટે અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. આ ડીલ હેઠળ બંને પક્ષ આયાત શૂલ્ક ઘટાડવાની યોજના બનાવી રહ્યા છે, જેને કારણે કંપનીઓ માટે માલ અને સેવાઓ વેચવું સરળ બનશે અને જટિલ વેપાર નિયમોમાં પણ ઘટાડો થશે.


