મારવાડીની પોસ્ટ પર ગુસ્સે થયા MNS કાર્યકરો, તેને માર મારી રસ્તા પર ફેરવ્યો

મુંબઈના વિક્રોલી વિસ્તારમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના કાર્યકરોએ એક મારવાડી દુકાનદારને માર માર્યો અને તેને રસ્તા પર ફેરવ્યો. બાદમાં દુકાનદારને પોલીસને સોંપવામાં આવ્યો. દુકાનદારનો “ગુનો” એ હતો કે તેણે સોશિયલ મીડિયા પર મરાઠી લોકો વિરુદ્ધ વાંધાજનક સ્ટેટસ પોસ્ટ કર્યું હતું.

આ પોસ્ટના વિરોધમાં MNS વિભાગના વડા વિશ્વજીત ધોલમ અને અન્ય અધિકારીઓએ દુકાનદારને માર માર્યો હતો. આરોપ છે કે દુકાનદારે તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે,”તમે રાજસ્થાનીની શક્તિ જોઈ, મહારાષ્ટ્રમાં જ મરાઠીને…કર્યુ, અમે મારવાડી છીએ, અમારી સામે કોઈ કંઈ કરી શકતું નથી.”

પોસ્ટ પર MNS કાર્યકરો ગુસ્સે ભરાયા
આ પોસ્ટ વાયરલ થયા પછી MNS કાર્યકરો ગુસ્સે ભરાયા. તેમણે દુકાનદારને પકડીને માર માર્યો અને પછી તેને રસ્તા પર પરેડ કરાવી. આ દરમિયાન સ્થળ પર ભીડ એકઠી થઈ ગઈ. ઘટના પછી MNS કાર્યકરોએ પીડિત દુકાનદારને પોલીસને સોંપી દીધો.

મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ કેમ વધુ ઘેરો બન્યો?

હકીકતમાં, મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી હિન્દી અને મરાઠી ભાષા પર વિવાદ ચાલી રહ્યો છે. મહારાષ્ટ્ર સરકારે શાળાઓમાં હિન્દીને ત્રીજી ભાષા તરીકે ફરજિયાત બનાવવાનો આદેશ જારી કર્યો હતો. જો કે, બાદમાં આ આદેશમાં ફેરફાર કરીને હિન્દીને સામાન્ય રીતે ત્રીજી ભાષા બનાવવાનો આદેશ આપવામાં આવ્યો, જેમાં 20 વિદ્યાર્થીઓ સંમત થાય તો કોઈપણ અન્ય ભારતીય ભાષા પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો. આ નિર્ણયને વિરોધ પક્ષો, ખાસ કરીને શિવસેના (UBT) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) દ્વારા “હિન્દી લાદવાનો” પ્રયાસ કહેવામાં આવ્યો હતો અને તેનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારથી, મહારાષ્ટ્રમાં ભાષા વિવાદને લઈને કેસ સામે આવી રહ્યા છે.