મુંબઈ: બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા કબૂતરોને ચણ નાખા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કબૂતરોને ચણ નાખવા પર ઘણા સમયથી વિવાદ ચાલતો હતો. ત્યારે કબૂતરખાના બંધ કરી ચણ નાખવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પ્રતિબંધ બાદ ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લેતા મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢાએ મુંબઈ મહાપાલિકા કમિશનરને પત્ર લખી એક અપીલ કરી છે.
કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢાએ મુંબઈ મહાપાલિકાકમિશનરને પત્ર લખીને પક્ષી પ્રેમીઓ, સંતો અને નાગરિકો દ્વારા વ્યક્ત કરાયેલી લાગણીને ધ્યાનમાં લેવા વિનંતી કરી છે. તેમણે પત્ર દ્વારા કોર્ટના નિર્ણયનો આદર કરીને કોઈ ઉકેલ શોધવાની અપીલ કરી છે. પ્રભાત લોઢાએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે ચણના અભાવે કબૂતરો રસ્તા પર મરી રહ્યા છે, જે જાહેર આરોગ્ય માટે નવી સમસ્યા છે.
આ સાથે જ તેમણે મહાનગરપાલિકા આ સંદર્ભમાં વ્યાપક અને સંતુલિત અભિગમ અપનાવાની આશા વ્યક્ત કરી છે. પત્રમાં તેમણે કેટલાક સૂચનો કહ્યાં છે, જેમ કે
- કબૂતરોને ચણ નાખવા માટે વૈકલ્પિક પગલાં અમલમાં મૂકવા જોઈએ
- બીકેસી, રેસકોર્સ, આરે કોલોની, સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન જેવી ખુલ્લી જગ્યાઓને સલામત અને નિયંત્રિત ખોરાક ક્ષેત્રો તરીકે માન્યતા આપવી જોઈએ
- લાંબા સમયથી ચાલતી ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓનો આદર કરીને નિર્ણયો લેવા જોઈએ
- જાહેર લાગણી, જાહેર આરોગ્ય અને જીવદયા એમ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સંતુલિત વિકલ્પ અમલમાં લાવવો જોઈએ.
મંગલ પ્રભાત લોઢાએ કહ્યું હતું કે મહાનગરપાલિકા એક જવાબદાર સંસ્થા છે અને અબોલજીવોની રક્ષા માટે અહીં માનવીય અને જીવદયાનો અભિગમ અપનાવવામાં આવે તેવી જનતા મહાપાલિકા પાસે આશા રાખે છે.
