નવી દિલ્હીઃ ટેક જાયન્ટ માઇક્રોસોફ્ટે કંપનીના વૈશ્વિક વર્કફોર્સમાંથી લગભગ 3 ટકા કર્મચારીઓને છૂટા કરવાનું એલાન કર્યું છે. કંપનીની આ છટણીમાં આશરે 6000થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી કાઢવામાં આવી રહ્યા છે. કંપનીએ વર્ષ 2023માં સૌથી મોટી છટણી કરી હતી, ત્યારે લગભગ 10,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢવામાં આવ્યા હતા. તે પછી હવે આ બીજી સૌથી મોટી છટણી છે. જોકે જે કર્મચારીઓએ નોકરી ગુમાવી છે, એવા કર્મચારીઓને બે વિકલ્પ આપવામાં આવી રહ્યા છે.
કંપનીએ બરખાસ્ત કર્મચારીઓને બે વિકલ્પ આપ્યા છે. કર્મચારીઓને તેમની સેવા સમાપ્ત થયા પછી 60 દિવસનું વેતન આપવામાં આવશે. આ ઉપરાંત છૂટા થનારા કર્મચારીઓ ઇનામ અને બોનસ માટે પણ પાત્ર રહેશે. કંપનીએ તાજેતરમાં કામગીરીના મૂલ્યાંકન સંબંધિત સિસ્ટમમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. જેના હેઠળ કાર્યક્ષમતા સંબંધિત મુદ્દાઓને કારણે કાઢવામાં આવેલા કર્મચારીઓને આગામી બે વર્ષ સુધી ફરીથી નોકરીમાં લેવામાં નહીં આવે.
આ સિવાય દેખાવને આધારે કાઢવામાં આવેલા કર્મચારીઓને સ્પષ્ટ અપેક્ષા અને સુધારા માટે સમયમર્યાદા આપવામાં આવશે. એટલે કે કર્મચારીઓ ‘પર્ફોર્મન્સ ઈમ્પ્રુવમેન્ટ પ્લાન (PIP)’નો વિકલ્પ પસંદ કરી શકે છે અથવા તેઓ 16 અઠવાડિયાના વિચ્છેદ વેતન સાથે ‘ગ્લોબલ વોલેન્ટરી સેપરેશન એગ્રીમેન્ટ’ સ્વીકારી શકે છે. જે કર્મચારીઓ PIP પસંદ કરે છે, તેમણે પાંચ દિવસની અંદર નિર્ણય લેવો પડશે અને તેઓ પછી બીજું પેકેજ મેળવી શકશે નહીં.
કંપનીમાં જૂન 2024 સુધીમાં કુલ 2,28,000 કર્મચારીઓ હતા, જેમાંથી લગભગ 1,985 કર્મચારી વોશિંગ્ટનમાં છે. કંપની તેના વૈશ્વિક વર્કફોર્સમાંથી 3 ટકા કર્મચારીઓને છૂટા કરી રહી છે. તેમાં તમામ સ્તરની ટીમો અને ભૌગોલિક વિસ્તારોના હજારો કર્મચારીઓ સામેલ છે. કંપનીએ જણાવ્યું હતું કે આ છટણીનો આ નિર્ણય ખર્ચ પર નિયંત્રણ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)માં ભારે મૂડીરોકાણ વચ્ચે લેવામાં આવ્યો છે.
