અમદાવાદ: શહેરના બોપલમાં 10મી નવેમ્બરના રોજ કાર ધીમે ચલાવવા અંગે ઠપકો આપવાની સામાન્ય બાબતમાં માઇકાના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કરી દેવામાં આવી હતી. આ કેસની તપાસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે 13મી નવેમ્બરના રોજ આરોપી વિરેન્દ્રસિંહ પઢેરિયાની પંજાબથી ધરપકડ કરી હતી. ત્યાર બાદ 14મી નવેમ્બરે પોલીસે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આજે 15મી ઓક્ટોબરના રોજ આરોપી પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયાને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપીના 25 નવેમ્બર બપોરે 3 વાગ્યા સુધીના એટલે કે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સરકારી વકીલે કોર્ટમાં દલીલ રજૂ કરી હતી કે ગુનો આચર્યા બાદ આરોપી બે દિવસ સુધી નાસતો ભાગતો ફરતો હતો. પંજાબથી તેની ધરપકડ કરવામાં આવી છે. તેણે તપાસ દરમિયાન પુરતો સપોર્ટ આપ્યો નથી. હત્યામાં ઉપયોગ લેવામાં આવેલા હથિયારને ફેંકી દીધી હતી તે જગ્યા વિશે પણ જણાવ્યું નથી. આરોપી 15 વર્ષથી પોલીસ ખાતામાં ફરજ બજાવતો હોવાથી કાયદાનો જાણકાર છે.આ ઉપરાંત ગુનો આચર્યો તે સમયે તેણે પહરેલા કપડાં મેળવવાના બાકી છે. કારણ કે તેના પરથી બ્લડ સેમ્પલ મેળવી શકાય. તે પંજાબ ભાગી ગયો ત્યારે તે રસ્તામાં ક્યાં રોકાયો? કોણે તેની મદદ કરી. આરોપી સાથે અન્ય એક વ્યક્તિ હતો તે કોણ છે. તેને ભાગવામાં કોણે મદદ કરી વગેરે સવાલો જવાબ પરથી પડદો ઉંચકાયો નથી. આ બધા પ્રશ્નોના જવાબ મેળવવા માટે પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જોકે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.આ હત્યાનું પ્લાનિંગ હતું કે પછી જૂની અદાવતમાં હત્યા કરવામાં આવી છે, તેની તપાસ હવે હાથ ધરવામાં આવી છે. હત્યામાં વપરાયેલી છરી તે હંમેશા સાથે રાખતો કે નહી તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. ગુનામાં વપરાયેલી હેરિયર કાર તેના સાળા વિશાલના નામે છે. હત્યા બાદ આરોપી વિરેન્દ્ર સિંહે પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો.