નવી દિલ્હીઃ રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને આમ આદમી પાર્ટીના સાત સાંસદોના ભાજપમાં વિલયને મંજૂરી આપી છે. આ નિર્ણય બાદ ઉચ્ચ સદનમાં AAPની શક્તિમાં ભારે ઘટાડો થયો છે. પહેલાં રાજ્યસભામાં AAPના 10 સાંસદ હતા, પરંતુ હવે આ સંખ્યા ઘટીને માત્ર ત્રણ રહી ગઈ છે. બીજી તરફ ભાજપને આ રાજકીય ઘટનાક્રમથી સીધો લાભ થયો છે. તેની સંખ્યા 106થી વધી 113 થઈ ગઈ છે, જેને કારણે સદનમાં તેની સ્થિતિ વધુ મજબૂત બની છે.
શુક્રવારે AAP છોડીને BJPમાં જોડાયેલા સાંસદોમાં રાઘવ ચઢ્ઢા, સ્વાતિ માલીવાલ, અશોક કુમાર મિત્તલ, સંદીપ પાઠક, હરભજન સિંહ, રાજિંદર ગુપ્તા અને વિક્રમજિત સિંહ સાહનીનો સમાવેશ થાય છે. આ તમામના જોડાતાં રાજ્યસભામાં ભાજપનો પ્રભાવ વધ્યો છે. રાજ્યસભાની વેબસાઇટ પર હવે આ સાતેય સાંસદો ભાજપ સભ્યોની યાદીમાં દર્શાવવામાં આવ્યા છે.હવે રાજ્યસભામાં AAPના જે ત્રણ સાંસદ બાકી રહ્યા છે તેમાં પક્ષના નેતા સંજય સિંહ, નારાયણ દાસ ગુપ્તા અને સંત બલબીર સિંહનો સમાવેશ થાય છે. આ વિલય બાદ જ્યાં AAPની ભૂમિકા નબળી પડી છે, ત્યાં ભાજપ હવે વધુ મજબૂતી સાથે સદનમાં પોતાની વ્યૂહરચના આગળ વધારી શકશે. શુક્રવારે સાતેય સાંસદોએ રાજ્યસભાના સભાપતિને પત્ર લખીને વિલય બાદ તેમને ભાજપ સાંસદ તરીકે માન્યતા આપવા વિનંતી કરી હતી, જેને સ્વીકારી લેવામાં આવી છે.
આમ આદમી પાર્ટીએ રવિવારે રાજ્યસભાના સભાપતિને પત્ર લખીને પક્ષ છોડનાર સાતેય સાંસદોની સભ્યતા ખતમ કરવાની માગ કરી હતી. AAPના સાંસદ સંજય સિંહે જણાવ્યું હતું કે તેમણે સભાપતિ રાધાકૃષ્ણનને પત્ર આપીને તાજેતરમાં પક્ષ છોડીને BJPમાં વિલય જાહેર કરનાર સાત સાંસદોને અયોગ્ય ઠરાવવાની માગ કરી છે.ગયા શુક્રવારે AAPને મોટો આંચકો ત્યારે લાગ્યો હતો, જ્યારે સાત રાજ્યસભા સભ્યોએ પક્ષ છોડીને ભાજપમાં જોડાવાની જાહેરાત કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી પાર્ટી પોતાના સિદ્ધાંતો, મૂલ્યો અને મૂળ નૈતિક ધોરણોથી ભટકી ગઈ છે.




