મુંબઈ: મીટ ઈન્ડિયા ફાઉન્ડેશને ‘ગ્રેટિટયુડ ડે’ની ઉજવણી સાથે તેની વેબસાઈટને નવા સ્વરૂપમાં લોન્ચ કરી છે. મેડિકલ અને એજયુકેશન ક્ષેત્રે જરૂરતમંદ વર્ગ માટે કાર્યરત કાંદિવલી-મુંબઈ સ્થિત સંસ્થા ‘મીટ ઈન્ડિયા ફાઉન્ડેશને’ પોતાની વિધિવત સ્થાપનાના 15 વર્ષની ઉજવણીના ભાગરૂપે સંસ્થાની આ લાંબી યાત્રામાં સહભાગી થયેલા દાતાઓ, સહયોગી સંસ્થાઓ, શુભેચ્છકો, કાર્યકરો વગેરેનો આભાર માનવા માટે ‘ગ્રેટિટ્યૂડ ડે’ની ઉજવણી કરી હતી.
સમાજના આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે કંઈક કરી છૂટવાની, એમની આર્થિક મુશ્કેલીઓમાં તેમને ટેકો આપવાની ભાવના સાથે ભેગા થયેલા કેટલાંક મિત્રોની સમાજ સેવાની આવી યાત્રા 40 વર્ષથી અવિરત ચાલતી આવે છે. ત્યારે એને સમાજનું સદભાગ્ય જ કહેવું પડે! શરૂના 1984થી 2009 સુધી યંગ એલર્ટ ટીમ (YAT) નામે બિનઔપચારિક સ્વરૂપે કામ કરતાં મિત્રોએ છેવટે માનવ સેવાના કાર્યોને યોગ્ય વિસ્તાર આપી શકાય એ માટે 2010માં ‘મીટ ઈન્ડિયા ફાઉન્ડેશન’ નામ સાથે તેને ઔપચારિક સ્વરૂપ આપીને રજિસ્ટર્ડ સંસ્થા ઊભી કરી.MEET એટલે ‘મેડિકલ એન્ડ એજ્યુકેશનલ એમ્પાવરમેન્ટ ટીમ’. સંસ્થાનું મિશન છે ‘પે બેક ટુ સોસાયટી’ અર્થાત, સમાજે આપણને જે ઘણું બધું આપ્યું છે એનું ઋણ ચૂકવવાની ભાવના સાથે અમુક મિત્રોએ શરૂ કરેલી સંસ્થા. એમની આ યાત્રામાં એવી જ ઈચ્છા ધરાવતા દાતાઓ, શુભેચ્છકો, અન્ય સંસ્થાઓ, ડૉક્ટરો, સ્વયંસેવકો જોડાતા ગયા અને સંસ્થાનો કાફલો મોટો થતો ગયો. હમણાં સંસ્થાને 15 વર્ષ પૂર્ણ થયાં એ નિમિત્તે કાંદિવલી એજ્યુકેશન સોસાયટી(KES)ના સૌજન્યથી ટી. પી. ભાટિયા કૉલેજના પંચોલિયા હૉલમાં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એની શરૂઆત સુપ્રસિદ્ધ ગાયિકા શ્રદ્ધા શ્રીધરાણીએ સરસ્વતી વંદના, વેદોક્તિ તેમજ કવિ રમેશ પારેખની સુંદર કવિતા ગાઈને, ગીત પ્રાગટ્યથી કરી હતી. આ પ્રસંગે સંસ્થાએ પોતાની વેબસાઈટ www.meetindia.org નવા સ્વરૂપે જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર ગૌરવ મશરૂવાલા અને ‘ચિત્રલેખા’ ગ્રુપના ચૅરમૅન મૌલિક કોટકને હસ્તે લૉન્ચ કરી હતી.
સંસ્થાના પાયાના સિદ્ધાંતો
મીટ ઈન્ડિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી કમલેશ કોટકે ગત વર્ષો દરમ્યાનની સંસ્થાની પ્રવૃત્તિઓ અને ભવિષ્યની યોજનાઓનો ચિતાર આપ્યો હતો. “સ્વસ્થ સમાજ, શિક્ષિત સમાજ અને સ્વનિર્ભર સમાજ’ નાં સંસ્થાના વિઝનને સમજાવતા તેમણે કહ્યું હતું કે ‘અમે જરૂરિયાતમંદ વ્યક્તિઓ અને તેના પરિવારને સમગ્રતયા સ્વનિર્ભર બનાવી શકીએ એવો અમારો પ્રયાસ રહે છે. સત્યનિષ્ઠા, પ્રમાણિકતા અને કાર્યદક્ષતા એ અમારા પાયાના સિદ્ધાંતો છે. દાતાનો એક-એક રૂપિયો સાચી અને સારી રીતે વપરાય અને એ બાબતે દાતાને પૂરી પારદર્શિતાથી જાણકારી પણ મળે એવી રીતે કામ કરવાનો અમારો અભિગમ છે.” વધુમાં તેમણે જણાવ્યું હતું કે, “કૉર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ પણ સંસ્થા રજીસ્ટર્ડ હોવાથી દાન મેળવવાના નવા સ્ત્રોતો ખૂલી ગયા છે. તેમણે સંસ્થા માટે ભવિષ્યની યોજનાઓ પણ રજૂ કરી હતી.
મીટ ઈન્ડિયાનું સકારાત્મક પરિવર્તન
KESના પ્રેસિડન્ટ મહેશ શાહે દાતાઓને બિરદાવતા દાન વિશે કહ્યું હતું કે “કીર્તિ મેળવવાની કે ઉપકાર કરવાની ભાવના વગર કરાતું દાન એ સાત્વિક પ્રકારનું દાન છે.” મીટ ઈન્ડિયા ફાઉન્ડેશનની પ્રવૃત્તિઓની સરાહના કરતાં તેમણે કહ્યું, “સમાજની જરૂરિયાત સમજવાની સમજણ ખરું પરિવર્તન લાવે છે અને જ્યારે આ સમજણ આવે ત્યારે જ સમાજમાં પરિવર્તન લાવી શકાય છે. આવું પરિવર્તન મીટ ઈન્ડિયા ફાઉન્ડેશન તેમની પ્રવૃત્તિઓ દ્વારા તેમજ તેમના દ્વારા ચલાવતા પરિવર્તન પુસ્તકાલયના માધ્યમથી લાવી રહ્યું છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે “ઈશ્વરે બનાવેલ જગતમાં વસતા અન્ય જીવો માટે પણ કંઈક કરવું છે એવી ભાવના જ્યારે જાગે ત્યારે જ આવું સરસ કામ થઈ શકે.”
ગ્લેમર નહી, નિષ્ઠા છેઃ ગૌરવ મશરૂવાલા
ફાઇનાન્સિયલ પ્લાનર ગૌરવભાઈની ઝીણવટભરી નજરે નોંધ્યું હતું કે, “આ સંસ્થાનો કાર્યકારી ખર્ચ નહિવત અથવા બહુ ઓછો છે. એ વાત અદભૂત છે અને એ જ સંસ્થાનું જમા પાસું પણ છે.” તેમણે કહ્યું હતું કે, “ઘણી સંસ્થામાં દાનની પૂરેપૂરી રકમ સત્કાર્ય માટે વપરાતી નથી. કારણ કે સંસ્થાના પોતાનો વહીવટી ખર્ચ વધુ હોય છે. દાતાઓએ એ ખાસ જોવું જોઈએ કે દાનની રકમમાંથી મહત્તમ રકમ સેવાના કાર્યોમાં વપરાય. મીટમાં વહીવટી ખર્ચ ઓછો છે.” તેમણે મીટ ઈન્ડિયા ફાઉન્ડેશન વિશે ઉમેર્યું હતું કે “અહીં ગ્લેમર નથી. અહીં નિષ્ઠાપૂર્વક જરૂરી કામ થાય છે.”સત્કાર્ય કે સમાજસેવાના પથ પર માત્ર પૈસાનું જ દાન પર્યાપ્ત નથી, સમયનું દાન પણ ઉત્તમ દાન છે. એવું કહીને 63 મુન્સ ટેકનોલોજીસના સ્થાપક જિજ્ઞેશભાઈ શાહે સંસ્થાના સ્વયં સેવકોની ટીમને બિરદાવી હતી.
‘ચિત્રલેખા’ ગ્રુપના વાઈસ ચૅરમૅન મનન કોટકે સંસ્થાના કાર્ય બાબત સંતોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે “યોગ્ય ઈરાદાઓ સાથે પ્રમાણિકતા હોય તો તમારી પેશનને આગળ ધપાવી શકાય છે. ભલે શરૂઆત નાની હોય, પરંતુ લાંબે સમયે એની અસર ખૂબ શુભ થતી હોય છે. કોઈ સારું કામ કરવાનું હોય ત્યારે અડચણોને અવગણીને શરૂઆત કરી દેવી જોઈએ. જે મીટ ઈન્ડિયા ફાઉન્ડેશને કરી બતાવ્યું છે.”
સંસ્કારી સમાજનું નિર્માણ
‘ચિત્રલેખા’ સાપ્તાહિકના તંત્રી હિરેન મહેતાએ રમૂજી અંદાજમાં મીટ ઈન્ડિયા ફાઉન્ડેશનને યુવાનીમાં પ્રવેશતી ષોડશી તરીકે વર્ણવી હતી. તેમણે શ્રધ્ધા વ્યક્ત કરી હતી કે, “હવે આ સંસ્થા 16મા વર્ષમાં પ્રવેશે છે, એટલે યુવાન બનેલી સંસ્થા હજુ વધુ સારું કામ કરશે.” તેમણે કહ્યું હતું કે, “આપણા શાસ્ત્રોમાં સોળ સંસ્કાર વર્ણવ્યા છે. સેવાનો સત્તરમો સંસ્કાર મીટ ઈન્ડિયા જેવી સંસ્થાએ ઉમેર્યો છે. સ્વસ્થ, શિક્ષિત, સ્વનિર્ભર સમાજ સાથે મીટ ઈન્ડિયા ફાઉન્ડેશન સંસ્કારી સમાજ નિર્માણ કરવાનું કામ પણ કરે છે.”
બહેતર બનીએ અને જગતને બહેતર બનાવીએ
‘આપણે સ્વયં જ્યારે બહેતર બની જઈએ ત્યારે જગત બહેતર બની જાય છે. શ્રદ્ધાથી કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ ત્યારે એ કાર્ય પરિપૂર્ણતાને પામે જ છે. પતંગિયું જ્યારે પાંખ ફફડાવે તો એની યાત્રા વાવાઝોડાનાં સર્જન સુધી પહોંચી શકે છે. એવી રીતે મીટ ઈન્ડિયાની એક અદની શરૂઆત આજે મોટું સ્વરૂપ લઈને ઊભી છે’. એવો સંતોષ ભૂતપૂર્વ ટ્રસ્ટી અને ફાઉન્ડર દિનેશ ગાઠાણીએ વ્યક્ત કર્યો હતો. પરમેશ્વરે મીટ ઈન્ડિયાને માધ્યમ બનાવીને ‘છે’ અને ‘નથી’ એ બંને લોકો વચ્ચેની કડી બનવાનો મોકો આપ્યો એ માટે પરમેશ્વરનો તેમણે આભાર માન્યો હતો. સંસ્થાના વડીલ સ્વયંસેવક શ્રીમતી ઉમાબહેન અરવિંદ સંઘવીએ પણ દાતાઓ, ટ્રસ્ટીઓ, સ્વયંસેવકો અને સહયોગીઓનો આભાર માન્યો હતો.
સંસ્થાની કાર્યશૈલી અને કામકાજના અમલનો વિસ્તૃત પરિચય માનદ ચીફ એડમિનિસ્ટ્રેટર હરેશ ગાલાએ આપ્યો હતો. તેમણે સંસ્થા મારફત સુપાત્ર દાન થાય તેની કઈ રીતે કાળજી લેવાય છે તેની વિધિ અને પ્રક્રિયા સમજાવી હતી. સંસ્થાની એક પાંખ ‘પરિવર્તન પુસ્તકાલય’ વિષે પૂર્ણાબેન મોદી અને અપેક્ષાબેન દેસાઇએ માહિતી આપી હતી.
ટ્રસ્ટી મહેશ ગાંધીએ
આભારવિધિને નવું નામ આપી આનંદવિધિ કરી હતી. તેમણે દાતાઓ, ચિત્રલેખા ગ્રુપ, જિજ્ઞેશ શાહ, KESના ટ્રસ્ટીઓ, સહયોગી સંસ્થાઓ, સ્વયંસેવકો તેમજ ઉપસ્થિત સર્વે મહેમાનોનો આભાર માન્યો હતો. તેમણે બધાં દાતાઓ ઉપરાંત કાંદિવલી એજ્યુકેશન સોસાયટી, સુવિખ્યાત સાહિત્યકાર ડો. દિનકર જોશી, શ્રી કાંદિવલી હિતવર્ધક મંડળ, કોશિશ ફાઉન્ડેશન, એઈડઝ કોમ્બેટ ઈન્ટરનેશનલ, પથદર્શક ટ્રસ્ટ, વી કેન વી વિલ ફાઉન્ડેશન વગેરેનો હ્રદયપૂર્વક આભાર માન્યો હતો. નજીકના ભવિષ્યમાં સંસ્થા તબીબી ક્ષેત્રે જાહેર હિતમાં પરિસંવાદ યોજવાની માહિતી આપી હતી. આખા કાર્યક્રમનું સંચાલન મેનેજિગ ટ્રસ્ટી જયેશ ચિતલિયાએ કર્યું હતું. અંતમાં રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું.
(સોનલ કાંટાવાલા – મુંબઈ)
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)