ઉત્તર પ્રદેશ: ’10 રૂપિયે કા બિસ્કુટ…’ ડાયલોગથી જાણીતો મેરઠના યુટ્યુબર શાદાબ જકાતી પર એક સગીર બાળકી અને મહિલા સાથે અશ્લીલ ભાષાનો વીડિયો બનાવવાનો આરોપ લાગ્યો છે. મેરઠના જ એક રહેવાસીએ આ અંગે મુખ્યમંત્રી પોર્ટલ અને પોલીસમાં ફરિયાદ કરી હતી. ફરિયાદ મળ્યા બાદ પોલીસે કેસ નોંધીને ગુરુવારે શાદાબની ધરપકડ કરી હતી. શાદાબને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાં તેને જામીન મળી ગયા. આ કાર્યવાહી તેના વાઇરલ વીડિયો પર કરવામાં આવી હતી, જેમાં શાદાબ જકાતી એક સ્ટોરના દુકાનદારના પાત્રમાં જોવા મળ્યો હતો અને કથિત રીતે બાળકી પાસે અશ્લીલ અભિનય કરાવવામાં આવ્યો હતો.
શાદાબ જકાતીને કોર્ટમાંથી મળ્યા જામીન
ફરિયાદ બાદ આ મામલો રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ સુધી પહોંચ્યો. ફરિયાદની નોંધ લઈને ઇંચોલી પોલીસે યુટ્યુબર શાદાબ જકાતી વિરુદ્ધ કેસ નોંધીને તેની ધરપકડ કરી હતી. જો કે શાદાબ જકાતીને કોર્ટમાંથી જામીન મળી ગયા હતા.
મેં કોઈ ખોટી વાત કે અપશબ્દ કહ્યો નહોતો: શાદાબ
આ મામલે શાદાબે જણાવ્યું કે, ‘વકીલોની મદદથી સત્યની જીત થઈ અને મને જામીન મળી ગયા. વિવાદાસ્પદ વીડિયોમાં મેં માત્ર વખાણ જ કર્યા હતા. મેં કોઈ ખોટી વાત નહોતી કરી. ન તો કોઈને કોઈ અપશબ્દ કહ્યો હતો. મને ખબર નહોતી કે એક વીડિયોથી આટલું બધું થશે. પણ મેં તે વીડિયો પણ હટાવી દીધો છે.
શાદાબે વધુમાં કહ્યું કે, ‘આખી દુનિયામાં, આખા હિંદુસ્તાનમાં મને પ્રેમ મળે છે. હું મહેનત કરીને અહીં સુધી પહોંચ્યો છું. મને દુઃખ એ વાતનું છે કે મેરઠ, જ્યાં હું રહું છું, ત્યાં મને સન્માન ન મળ્યું, ઊલટું મારા પર કેસ કરી દેવામાં આવ્યો. લોકો મારી પાછળ પડ્યા રહે છે. આ વાતનું દુઃખ થાય છે.
મેરઠના સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર શાદાબ જકાતીએ કોર્ટમાંથી છૂટ્યા પછી મીડિયા સાથે વાતચીત કરી. આ વાતચીતમાં તેણે કહ્યું કે, ‘બહુ બધા લોકોની દુઆ મારી સાથે છે. જે લોકોએ મારી સાથે આ કામ કર્યું, તેમને પણ મારી શુભકામનાઓ છે.’
પોતાના વાયરલ વીડિયોને યોગ્ય ઠેરવતા શાદાબે કહ્યું કે, ‘મેં એક વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો મેં મારી દીકરી સાથે બનાવ્યો હતો. તે મારી દીકરી છે.’




