માયાવતીનું લખનૌમાં શક્તિ પ્રદર્શનઃ અખિલેશ પર સાધ્યું નિશાન

લખનૌઃ BSPના સ્થાપક કાંશીરામની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલી સભામાં BSPપ્રમુખ માયાવતીએ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પર તીખા પ્રહાર કર્યા હતા. તેમણે બીજી તરફ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે જ્યારે SP સત્તામાં હોય છે ત્યારે તેના નેતાઓને કાંશીરામ અને દલિતોની યાદ આવતી નથી, પરંતુ સત્તાથી દૂર થયા પછી દલિત પ્રેમ બતાવે છે.

તમે સૌ જાણો છો કે તેમના (કાંશીરામના) સન્માનમાં બનેલા આ સ્થળ (કાંશીરામ સ્મારક)ના કેટલાક ભાગોની મરામતમાં વિલંબને કારણે તમે છેલ્લા કેટલાક સમયથી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શક્યા નહોતા,. પરંતુ હવે મોટાભાગનું મરામત કાર્ય પૂર્ણ થઈ ગયાના બાદ આ વખતે મારી સાથે લાખો લોકોની ભીડ એકત્ર થઈ છે. જે અગાઉના તમામ રેકોર્ડ તોડી ગઈ છે — શ્રદ્ધેય કાંશીરામજીને શ્રદ્ધાંજલિ આપવા માટે.

દુર્ભાગ્યની વાત છે કે વર્તમાન ભાજપ સરકાર પહેલાં જ્યારે સમાજવાદી પાર્ટી સત્તામાં હતી, ત્યારે તેમણે ટિકિટમાંથી મળતી આવક રોકી લીધી હતી અને જાળવણી માટે એક રૂપિયો પણ ખર્ચ્યો નહોતો. માયાવતીએ યોગી સરકારની પ્રશંસા કરતાં તેમણે કહ્યું હતું કે અમે વર્તમાન રાજ્ય સરકારના ખૂબ આભારી છીએ, કારણ કે અગાઉની સમાજવાદી પાર્ટી સરકારથી વિપરીત, જેમણે આ સ્થળે મુલાકાતીઓ પાસેથી ટિકિટ લેવાની મનાઈ મૂકી હતી, વર્તમાન ભાજપ સરકારએ ફક્ત તેની મંજૂરી જ આપી નથી, પણ સ્મારકની મરામત અને જાળવણી માટે પૂરતો નાણાકીય સહયોગ પણ આપ્યો છે.

માયાવતીએ અખિલેશ યાદવને સંબોધીને કહ્યું હતું કે જો તમે ખરેખર આદરણીય કાંશીરામજી માટે એટલું સન્માન અને શ્રદ્ધા ધરાવો છો, તો જ્યારે મારી સરકાર સત્તામાં હતી ત્યારે અમે અલીગઢ મંડળમાં કાસગંજને અલગ જિલ્લો બનાવી તેનું નામ ‘આદરણીય કાંશીરામજી નગર’ રાખ્યું હતું, પરંતુ જેવી સમાજવાદી પાર્ટી સત્તામાં આવી, તેમણે તેનું નામ બદલી નાખ્યું… જ્યારે તેઓ સત્તામાં હોય છે, ત્યારે તેમને ન તો પીડીએ, ન તો મહાન સંતો, ગુરુઓ અને નેતાઓ યાદ આવે છે, ન તો તેમનો સન્માન કરે છે. પરંતુ સત્તાથી બહાર થયા પછી અચાનક જ અમારા સંતો, ગુરુઓ અને મહાન નેતાઓ યાદ આવવા લાગે છે. લોકોને આવા ‘બેમોઢા’ લોકો સામે ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે.