ગોવા અગ્નિકાંડ પછી ભુવનેશ્વરના નાઇટ ક્લબમાં ભીષણ આગ

ભુવનેશ્વરઃ ભુવનેશ્વરના સત્ય વિહાર વિસ્તારમાં શુક્રવારે નાઇટ ક્લબમાં ભીષણ આગ લાગી હતી. આગ પછી ઇઈમારતમાંથી ગાઢ ધુમાડો નીકળતો હતો. હજી સુધી આગ કેવી રીતે લાગી તે અંગે સ્પષ્ટ માહિતી મળી નથી. આગની ભારે જ્વાળાઓએ માત્ર નાઇટ ક્લબને જ નહીં, પરંતુ બાજુમાં આવેલી ફર્નિચરની દુકાનને પણ પોતાની ઝપટમાં લઈ લીધી. લાકડું અને સ્પોન્જ જેવી સામગ્રી હોવાથી આગ તે દુકાનમાં વધુ જોરથી ફાટી નીકળેલી, જેને કારણે નુકસાન મોટા પાયે થયું હતું.

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આગ લાગતાની સાથે જ હવાની દિશા બદલાતાં ધુમાડો બજાર વિસ્તારમાં ફેલાઈ ગયો. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડે તાત્કાલિક કામગીરી શરૂ કરી અને આગને બીજી દુકાનો અને રહેણાક વિસ્તારોમાં ફેલાતી અટકાવવાનો પ્રયાસ કર્યો. હાલ સારી વાત એ છે કે કોઈ જાનહાનિ થવાનો અહેવાલ મળ્યો નથી.

ફાયર વિભાગના અધિકારી રમેશ માઝીએ જણાવ્યું કે કન્ટ્રોલ રૂમને સવારે માહિતી મળતાં જ બે ફાયર ટેન્કર ઘટનાસ્થળે મોકલાયાં અને અગ્નિશામક દળ ત્યાં પહોંચી ગયું. તેમણે કહ્યું હતું કે પ્રતિભાવ આપવામાં કોઈ વિલંબ થયો નહીં. લગભગ એક કલાકની મહેનત પછી આગ સંપૂર્ણ રીતે કાબૂમાં લેવામાં આવી.

ગોવા ઘટનાના બાદ આ બનાવ

આ ઘટના ગોવાના મોટા નાઇટ ક્લબમાં લાગી આગના થોડા જ દિવસો પછી બની છે, જેમાં 25 લોકોનાં મોત થયાં હતાં. આ ઘટના બાદ ઓડિશાની અગ્નિશામક અને તાત્કાલિક સેવા (OFES)એ 100થી વધુ બેઠકો ક્ષમતા ધરાવતી તમામ રેસ્ટોરાં અને સ્વતંત્ર સ્થાપનાઓનું રાજ્યવ્યાપી ઓડિટ કરવાનો આદેશ આપ્યો હતો.

જો ગોવા દુર્ઘટનાની વાત કરીએ તો નાઇટ ક્લબના માલિક લૂથરા બ્રધર્સને થાઈલેન્ડમાં ધરપકડ કરવામાં આવી છે. તેમને હવે ગોવા લાવવામાં આવી રહ્યા છે. આ કેસમાં લૂથરા બ્રધર્સ — સૌરભ અને ગૌરવના પાસપોર્ટ પણ રદ કરવામાં આવ્યા છે.