મુંબઈ: બૉલિવૂડ અભિનેત્રી કંગના રનૌત સ્ટારર ફિલ્મ ‘ઇમરજન્સી’ની રિલીઝ મોકૂફ રાખવામાં આવી છે. ફિલ્મના વિવાદ બાદ સેન્સર બોર્ડે હજુ સુધી આ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. આ દરમિયાન કંગનાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કવિ અને લેખક મનોજ મુન્તાશીરનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં મનોજ મુન્તાશીરે ફિલ્મને સર્ટિફિકેટ ન મળવા પર અનેક સવાલો ઉઠાવ્યા છે.
મનોજ મુન્તાશીરે ફિલ્મના દરેક ભાગ પર પ્રશ્નાર્થ ચિન્હ લગાવ્યા છે જેના પર વાંધો ઉઠાવવામાં આવ્યો છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા વિશે પણ વાત કરી. તેમણે વાંધો ઉઠાવનારાઓને વિનંતી કરી છે કે જો તેમને કોઈ સમસ્યા હોય તો તેઓ કંગનાને કોર્ટમાં લઈ જાય, કાયદો નક્કી કરશે. વીડિયો શેર કરતી વખતે કંગના રનૌતે તેને કેપ્શનમાં લખ્યું છે કે ‘ઇમરજન્સી vs અભિવ્યક્તિની સ્વતંત્રતા’.
“મહાનતાનો આ ઢોંગ છોડી દો “
મનોજ મુન્તાશીરે જણાવ્યું હતું કે, “ઇમરજન્સી 6 સપ્ટેમ્બરે રિલીઝ થશે નહીં, કારણ કે ફિલ્મને સેન્સર સર્ટિફિકેટ મળ્યું નથી. સારી વાત છે, પરંતુ આ સર્ટિફિકેટની રમત અધૂરી કેમ રમાઈ રહી છે, તે સંપૂર્ણ રીતે રમવી જોઈએ. આ સાથે જ વધુ એક સર્ટિફિકેટ અમારી પાસેથી છીનવી લેવું જોઈએએ કે આપણે અભિવ્યક્તિની સ્વતંત્રતાનું સન્માન કરનારા લોકો છીએ. આ મહાનતાનો ઢોંગ છોડો, આપણે એક ફિલ્મ પણ સહન કરી શકતા નથી અને ફ્રીડમ અને એક્સપ્રેશનની વાત કરીએ છીએ.”
View this post on Instagram
તેમણે વધુમાં કહ્યું કે, “અચ્છા ઈમરજન્સીમાં શું સમસ્યા છે, સમસ્યા એ છે કે ઈન્દિરા ગાંધીની નિર્મમ હત્યા બતાવવામાં આવી છે. તો શું ઈન્દિરા ગાંધીનું મૃત્યુ માર્ગ અકસ્માતમાં થયું હતું અને હત્યા નહોતી થઈ? તેમની સમસ્યા એ છે કે ઈન્દિરા ગાંધીના હત્યારાઓને શીખ બતાવવામાં આવ્યા છે. તો શું સતવંત સિંહ અને બેઅંત સિંહ શીખ નહોતા? કે પછી સમસ્યા એ છે કે જરનૈલ સિંહ ભિંડરાવાલેને આતંકવાદી બતાવવામાં આવ્યા છે. તો શું હજારો લોકોની નિર્મમ હત્યા કરનાર તે ક્રૂર આતંકવાદી નહોતો?
“લોકોએ પહેલા ફિલ્મ જોવી જોઈએ”
મનોજ મુન્તાશીરે ‘ઇમરજન્સી’ શીખ વિરોધી હોવાના તમામ આરોપોને ફગાવી દીધા અને શીખોના સેંકડો વર્ષોના ગૌરવશાળી ઇતિહાસની વાત કરી. તેમણે કહ્યું કે લોકોએ પહેલા આ ફિલ્મ જોવી જોઈએ, પછી પોતાનો અભિપ્રાય બનાવવો જોઈએ અને જો તેમને કંઈ વાંધાજનક જણાય તો તેમણે કોર્ટમાં જવું જોઈએ. તમને જણાવી દઈએ કે મનોજ મુન્તાશીરે ફિલ્મ ‘ઇમરજન્સી’ના ગીતો લખ્યા છે.