મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોની સ્થિતિ લગભગ સ્પષ્ટ છે. મહાયુતિ 220થી વધુ બેઠકો પર આગળ ચાલી રહી છે અને મહાવિકાસ અઘાડી માત્ર 58 બેઠકો પર જ છે. આ આંકડો બદલાઈ શકે છે પરંતુ એ નિશ્ચિત છે કે રાજ્યમાં મહાયુતિની સરકાર બનવા જઈ રહી છે. મહાયુતિ બહુમતીના આંકને પાર કરી ગઈ છે. આ દરમિયાન એવા પણ સમાચાર છે કે દેવેન્દ્ર ફડણવીસને રાજ્યના નવા સીએમ બનાવવામાં આવી શકે છે. ભાજપ અધ્યક્ષ પણ તેમને મળવા પહોંચ્યા છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દેવેન્દ્ર ફડણવીસે પોતાની ખુશી વ્યક્ત કરી છે, ‘એક તો સેફ હૈ! મોદી હૈ તો મુમકિન હૈ!’. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી જે ટ્રેન્ડ સામે આવ્યા છે તેમાં બીજેપીની આગેવાની હેઠળનું મહાયુતિ ગઠબંધન 288માંથી 221 સીટો પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે કોંગ્રેસની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડી એટલે કે MVA 56 સીટો સુધી સીમિત જણાય છે. નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપે ‘ બટેંગે તો કટેંગે’ અને ‘એક તો સેફ હૈ’ જેવા નારા આપ્યા હતા.
एक है तो ‘सेफ’ है !
मोदी है तो मुमकिन हैं ! #Maharashtra #महाराष्ट्र— Devendra Fadnavis (@Dev_Fadnavis) November 23, 2024
મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ તમામ મતદારોનો આભાર માન્યો અને કહ્યું કે આ એક વિશાળ જીત છે. શિંદેએ કહ્યું કે અમને તમામ વર્ગોના મત મળ્યા છે. સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે મહાયુતિના તમામ કાર્યકર્તાઓ ખંતથી કામ કરી રહ્યા છે. સીએમ શિંદેએ કહ્યું કે તેમણે અમને એવી જીત અપાવી છે જે પહેલાં ક્યારેય થઈ નથી – ન તો ભૂતકાળ અને ન તો ભવિષ્ય. શિંદેએ કહ્યું કે વિકાસ ત્યારે થાય છે જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને કામ કરે છે. કેન્દ્ર સરકારે હંમેશા અમારા રાજ્યને મદદ કરી છે.
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન અને શિવસેનાના વડા એકનાથ શિંદેએ કહ્યું કે જેમની પાસે વધુ સીટો હોય તેને સીએમ પદ આપવામાં આવે એવી કોઈ સ્પષ્ટતા થઈ નથી. હવે અંતિમ પરિણામો આવવા દો. આ પછી ત્રણેય પક્ષો સાથે બેસીને ચર્ચા કરશે. પીએમ મોદી છે, જેપી નડ્ડા છે, આપણે બધા સાથે મળીને નિર્ણય કરીશું. એકનાથ શિંદેએ કહ્યું કે જે રીતે મહાયુતિએ એક થઈને ચૂંટણી લડી છે, તે જ રીતે બધા સાથે બેસીને સીએમ પદનો નિર્ણય કરશે.