રાજકોટ: ચૂંટણી ‘મહાભારત’માં હવે ધાનાણીનું ‘ધનુષ’ ટકરાશે?

રાજકોટ: કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાને ટક્કર આપે તેવા ઉમેદવાર કોંગ્રેસ હજુ શોધી શકી નથી. ક્ષત્રિય સમાજના વિવાદ વચ્ચે આગામી 16મી એપ્રિલના રોજ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરવા જશે તેવી જાહેરાત થતાં કોંગ્રેસ હવે એક્ટિવ બની છે.

રાજકોટ લોકસભાની પ્રતિષ્ઠાભરી બેઠક માટે કોંગ્રેસ પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારવા સમજાવવા અમરેલી પહોંચી છે. પરેશ ધાનાણીએ અગાઉ અમરેલી ધારાસભાની ચુંટણીમાં રૂપાલાને હરાવ્યા છે. આથી રાજકોટ કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા સહિતના 50 જેટલા આગેવાનો આજે સવારે રાજકોટથી અમરેલી પહોંચ્યા હતા.રાજકોટ કોંગ્રેસના આગેવાનોએ પરેશ ધાનણીને નવા રાજકીય સમીકરણોમાં રાજકોટ લોકસભા લડવા સજાવ્યા છે. પ્રદેશ કોંગ્રેસના આદેશથી આ કવાયત કરવામાં આવી છે. બેઠક બાદ પરેશ ધાનાણી રાજકોટથી ચુંટણી લડવા સહમત થયા હોવાનું કોંગી આગેવાનો હાલ તો કહી રહ્યા છે. જો કે સત્તાવાર જાહેરાત થાય તેની રાહ જોવાઇ રહી છે. એવું જાણવા મળ્યું છે કે ધાનાણી એ શરતે સહમત થયા છે કે જો રૂપાલા રાજકોટથી લડે તો જ તે ઉમેદવાર બનશે.હાલ રૂપાલા અને ક્ષત્રિયો વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં પરેશ ધાનાણી સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ છે અને ભાજપનો વિરોધ કરી રહેલાં ક્ષત્રિયોને ટેકો આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેમણે “ભારતના સંસ્કાર, પાલનના પડકાર” તેમણે એક કવિતા પણ મૂકી છે.ગુજરાતમાં કોંગ્રેસ નવસારી, મહેસાણા , અમદાવાદ પૂર્વ સહિતની ચાર જેટલી બેઠક માટે ઉમેદવારની પસંદગી પ્રક્રિયા તેજ બનાવી છે.

દેવેન્દ્ર જાની (રાજકોટ)