મતદાન કરવા માટે 40 મિનિટ લાઈનમાં ઉભા રહ્યા મિથુન ચક્રવર્તી

આજે લોકસભા ચૂંટણી 2024નો સાતમો અને છેલ્લો તબક્કો છે. આ દરમિયાન અભિનેતા અને ભારતીય જનતા પાર્ટીના નેતા મિથુન ચક્રવર્તી કોલકાતામાં પોતાનો મત આપવા માટે પહોંચ્યા હતાં. તેમણે કોલકાતાના બેલગછિયામાં એક મતદાન મથક પર પોતાનો મત આપ્યો. પોતાનો મત આપ્યા બાદ અભિનેતાએ ત્યાં હાજર મીડિયાકર્મીઓ સાથે વાત કરી. તેમણે કહ્યું કે તે પોતાનો મત આપવા માટે 40 મિનિટ સુધી કતારમાં ઉભો રહ્યા કારણ કે તે પોતાની ફરજ નિભાવવા માંગતા હતા.

અભિનેતાએ મત આપવા માટે લાઈનમાં ઉભા રહ્યાં
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અભિનેતા-રાજકારણીની ઘણી તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. આ દરમિયાન તે બ્લેક કુર્તા, કેપ અને સનગ્લાસ પહેરેલા જોવા મળે છે. મતદાન મથકની બહાર પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, ‘એક નાગરિક તરીકે મતદાન કરવું એ મારી ફરજ છે અને મેં મતદાન કર્યું. મેં 40 મિનિટ સુધી લાઈનમાં રાહ જોઈ અને પછી મારો મત આપ્યો. લોકોએ મને કહ્યું કે આગળ વધો અને કતાર તોડીને મતદાન કરો, પરંતુ મેં તેમ કર્યું નહીં.

મિથુન ચક્રવર્તીએ ખુલાસો કર્યો કે તે હવે રાજનીતિ વિશે વાત નહીં કરે. તેમણે કહ્યું,’મેં મારી રાજકીય ફરજ પૂરી કરી છે અને હવેથી હું માત્ર ફિલ્મો વિશે જ વાત કરીશ.’ મિથુને કહ્યું કે હું ભાજપનો કાર્યકર છું, મેં મારી ફરજ બજાવી છે. હું આવતીકાલથી ફિલ્મો વિશે વાત કરીશ, કારણ કે મારે મારા પરિવારનું પેટ પણ ભરવાનું છે.

મિથુનની રાજકીય કારકિર્દી
અભિનેતાની રાજકીય કારકિર્દી વિશે વાત કરીએ તો, મિથુન 2014 માં રાજકારણમાં જોડાયા હતા, જ્યારે તેમને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ રાજ્યસભા સાંસદ માટે નામાંકિત કર્યા હતા. ડિસેમ્બર 2016 માં તેમણે રાજ્યસભાના સાંસદ તરીકે રાજીનામું આપ્યું અને માર્ચ 2021માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. આ દરમિયાન વર્ક ફ્રન્ટ એક્ટર મિથુન ચક્રવર્તી છેલ્લે ડાન્સ રિયાલિટી શો ડાન્સ બાંગ્લા ડાન્સમાં જજ તરીકે જોવા મળ્યા હતા.