અમરેલીની પાટીદાર દીકરીએ પરેશ ધાનાણી સમક્ષ કર્યા ચોંકાવનારા ખુલાસા

રાજકોટ: અમરેલીના લેટરકાંડના મામલે પાટીદાર યુવતી પાયલની ધરપકડ કરી પોલીસે તેનું ખુલ્લા મોઢે સરઘસ કાઢ્યું હતું. આ મામલો સમગ્ર ગુજરાતમાં ચર્ચામાં છે ત્યારે આ પીડિત દીકરીએ જેલમાંથી છુટ્યા બાદ ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી સમક્ષ કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

પરેશ ધાનાણીએ પાટીદાર દીકરી પાયલના ઘરે જઈને તેમની આપવીતી સાંભળીને અન્યાયની લડાઈમાં તેઓ તેની સાથે છે તેવો ભરોસો આપ્યો હતો. પરેશ ધાનાણીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આ મુલાકાતનો એક વિડીયો મૂક્યો છે, જે હાલમાં વાયરલ થયો છે. તેમાં પીડિત દીકરી પાયલ એવું કહી રહી છે કે પોલીસે મારા ઘરે આવી રાત્રે 12 વાગ્યા આસપાસ મને પોલીસ સ્ટેશન લઈ જવાઈ હતી.

આ યુવતીએ પોલીસ સામે એવા આક્ષેપો કર્યા હતા કે મને ડરાવવા અને ધમકાવવામા આવી હતી પણ હું અડગ હતી. પોલીસે મને પગમાં બેલ્ટથી માર માર્યો હતો. કોઈ મોટી ગુનેગાર હોય તેમ ખુલ્લા મોઢે મારો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. બીજી વાર પણ રિકંસ્ટ્રક્શનના નામે પણ મારું સરઘસ કાઢ્યું હતું.દરમિયાન આ યુવતીએ ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરીયાને પણ પત્ર લખીને તેને લેટરકાંડના કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવી છે અને પોલીસે પણ કાયદાનો ભંગ કર્યો હોવાનું જણાવ્યું છે.

(દેવેન્દ્ર જાની – રાજકોટ)