કચ્છની ધરા આજે ફરી એકવાર ધ્રુજી છે. આજે સાંજના 4 વાગેને 44 મિનિટે 4.7ની તીવ્રતાના આંચકા સાથે કચ્છની ધરા ધ્રુજી છે. જેનું કેન્દ્રબિંદુ ગાંધીધામ નોંધાયું છે. ભૂકંપનો આંચકો એટલો તીવ્ર હતો કે અનેક લોકોના ઘરમાં ઉપર છાજલીમાં રાખેલાં વાસણો નીચી પડી ગયા હતા. 2001નો વિનાશક ધરતીકંપ જોઈ ચૂકેલા કચ્છવાસીઓ આજે ફરી એક વખત ગભરાઈ ગયા હતા. નોંધપાત્ર છે કે 2001ના વિનાશક ધરતીકંપ 26 જાન્યુઆરીએ આવ્યો હતો આજે 2024માં આજે 28 જાન્યુઆરીએ કચ્છની ધરા ધ્રુજી ઊઠી હતી.
છેલ્લા બે-ત્રણ મહીનાથી ભૂકંપના આંચકા વધ્યા
ભારત સહિત દુનિયાના કેટલાક દેશોમાં છેલ્લા બે-ત્રણ મહીનાથી ભૂકંપના આંચકાની માત્રા સતત વધી રહી છે. હજુ ગયા મહિને જ જાપાનમાં સાત કરતાં વધુની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ નેપાળ, અફઘાનિસ્તાન, પાકિસ્તાનમાં પણ ધરતી ધ્રુજી હતી.