‘વન નેશન વન ઇલેક્શન’ માત્ર ચર્ચાનો વિષય નથી પરંતુ ભારતની જરૂરિયાત છે. દર થોડા મહિને ક્યાંક ને ક્યાંક ચૂંટણી યોજાઈ રહી છે. જેના કારણે વિકાસ કાર્યોને અસર થાય છે. નવેમ્બર 2020 માં, પીએમ નરેન્દ્ર મોદીએ 80મી અખિલ ભારતીય પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે આ વાત કરી હતી.
હવે લગભગ 3 વર્ષ પછી, 1 સપ્ટેમ્બર 2023 ના રોજ, સરકારે વન નેશન વન ઇલેક્શન પર એક સમિતિની રચના કરી છે. તેના અધ્યક્ષ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હશે. એવી ચર્ચા છે કે 18 થી 22 સપ્ટેમ્બરના વિશેષ સત્રમાં આ અંગે મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. જો કે અહીં એ જાણવું જરૂરી છે કે વન નેશન વન ઇલેક્શ છે શું ? અને એને લઈને આટલી ચર્ચા શુ કામ થઈ રહી છે.
‘વન નેશન વન ઇલેક્શન’ શું છે
હાલમાં ભારતમાં, રાજ્યની વિધાનસભા અને દેશની લોકસભાની ચૂંટણીઓ અલગ-અલગ સમયે યોજાય છે. વન નેશન વન ઇલેક્શનનો અર્થ એ છે કે સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે થવી જોઈએ. એટલે કે, લોકસભા અને રાજ્ય વિધાનસભાઓના સભ્યોને ચૂંટવા માટે મતદારો એક જ દિવસે, એક જ સમયે અથવા તબક્કાવાર મતદાન કરશે.
એક રાષ્ટ્ર-એક ચૂંટણીની પરંપરા તૂટી..
આઝાદી પછી, 1952, 1957, 1962 અને 1967 માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાઈ હતી, પરંતુ 1968 અને 1969 માં, ઘણી વિધાનસભાઓ સમય પહેલા ભંગ કરવામાં આવી હતી. અમે ત્યાર પછી 1970માં લોકસભા પણ ભંગ કરી દેવામાં આવી હતી. જેના કારણે એક રાષ્ટ્ર-એક ચૂંટણીની પરંપરા તૂટી ગઈ હતી.
કરોડો રૂપિયાની થઈ શકે છે બચત
મે 2014માં કેન્દ્રમાં મોદી સરકાર સત્તામાં આવી ત્યારે તરત જ એક દેશ અને એક ચૂંટણીને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ હતી. ડિસેમ્બર 2015માં કાયદા પંચે વન નેશન-વન ઇલેક્શન પર એક રિપોર્ટ રજૂ કર્યો હતો. કહેવામાં આવ્યું હતું કે જો દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થાય તો કરોડો રૂપિયાની બચત થઈ શકે છે. આ ઉપરાંત ચૂંટણીની આચારસંહિતાની વારંવાર અમલવારી ન થવાના કારણે વિકાસના કામોને પણ અસર નહીં થાય. દેશમાં દર મહિને ચૂંટણી થાય છે અને તેમાં ખર્ચ થાય છે. આચારસંહિતા લાગુ થવાને કારણે અનેક વહીવટી કામો પણ ઠપ્પ થઈ ગયા છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને 2015માં દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાની ભલામણ કરવામાં આવી હતી. જૂન 2019માં પહેલીવાર પીએમ મોદીએ આ મુદ્દે ચર્ચા કરવા માટે તમામ પક્ષો સાથે ઔપચારિક રીતે બેઠક બોલાવી હતી. જો કે અનેક પક્ષોએ વિરોધ નોંધાવ્યો હતો.
વન નેશન વન ઇલેક્શન લાગુ કરવું શક્ય છે
નિષ્ણાંતોના મત અનુસાર વન નેશન વન ઈલેક્શનને લઈને બે મુદ્દા સામે આવે છે એક તો સંસદ કાયદો બનાવી શકે છે અથવા તેને બે તૃતીયાંશ રાજ્યોની સંમતિની જરૂર પડશે. જો અન્ય રાજ્યોમાંથી સંમતિ લેવાની જરૂર પડશે, તો મોટાભાગની બિન-ભાજપ સરકારો તેનો વિરોધ કરશે. સંસદમાંથી પસાર કરાવીને જ કાયદો બનાવવો શક્ય બને તો પણ ઘણી મુશ્કેલીઓ આવશે. જેમ કે- એક સાથે ચૂંટણી ક્યારે યોજવી જોઈએ? જે રાજ્યોમાં હમણાં જ ચૂંટણી થઈ છે ત્યાં શું થશે? એ સ્પષ્ટ છે કે ઘણા કાયદાકીય અવરોધો ઉભા થવાના છે. કાનૂની આધારો પર આ સમસ્યાનું સમાધાન શક્ય નથી. આ માટે અન્ય રાજ્યોની સંમતિ ખૂબ જ જરૂરી છે.
દેશમાં વન નેશન વન ઇલેક્શન કેવી રીતે લાગુ કરી શકાય
કાયદા પંચે એપ્રિલ 2018માં આ સંદર્ભમાં એક જાહેર નોટિસ જારી કરી હતી જેમાં સુધારાની વિગતો આપવામાં આવી હતી. કાયદા પંચના જણાવ્યા અનુસાર, વન નેશન વન ઇલેક્શનનો પ્રસ્તાવ બંધારણની કલમ 328ને પણ અસર કરશે, જેના માટે મહત્તમ રાજ્યોની મંજૂરી લેવી પડી શકે છે. બંધારણના અનુચ્છેદ 368(2) મુજબ, આવા સુધારા માટે ઓછામાં ઓછા 50% રાજ્યોની મંજૂરી જરૂરી છે, પરંતુ તે ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ હેઠળ દરેક રાજ્યની વિધાનસભાની સત્તા અને અધિકારક્ષેત્રને અસર કરી શકે છે. માટે આ બાબતે તમામ રાજ્ય વિધાનસભાઓની મંજૂરીની જરૂર પડી શકે છે. આ પછી જનપ્રતિનિધિત્વ અધિનિયમ સહિત અન્ય ઘણા કાયદાઓમાં સુધારા કરવા પડશે.