સંસદના ખાસ સત્રમાં ઇન્ડિયા બનશે ભારતનો પ્રસ્તાવ?

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ભવન દ્વારા નવ સપ્ટેમ્બરે G20 સંમેલનમાં આવનારા મહેમાનોને રાત્રિ ભોજન માટે આમંત્રિત કરવામાં આવ્યા છે, જેમાં રિપબ્લિક ઓફ ઇન્ડિયાને બદલે રિપબ્લિક ઓફ ભારત શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભારતના રાષ્ટ્રપતિને નામે નિમંત્રણ મોકલવા પર કોંગ્રેસે સરકાર પર પલટવાર કર્યો છે.

G20 સમિટ પછી મોદી સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. સંસદના ખાસ સત્રમાં શું થશે? જોકે એના માટે માત્ર અટકળો લગાવવામાં આવી રહી છે, પણ સંસદના વિશેષ સેશનમાં કેન્દ્ર સરકાર દેશનું નામ બદલવાનો પ્રસ્તાવ લાવે એવી શક્યતા છે. કેન્દ્ર સરકાર સંસદના વિશેષ સત્રમાં ઇન્ડિયા નામ બદલીને ભારત કરવાનો એક નવો પ્રસ્તાવ રજૂ કરે એવી સંભાવના છે.

કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મિડિયા X પર લખ્યું છે કે આ સમાચાર ખરેખર સાચા છે. રાષ્ટ્રપતિ ભવને નવ સપ્ટેમ્બરે G20 ડિનર માટે પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયાને બદલે પ્રેસિડેન્ટ ઓફ ભારતને નામે નિમંત્રણ મોકલ્યું છે. તેમણે કહ્યું હતું કે બંધારણમાં અનુચ્છેદ કહે છે, ભારત જે ઇન્ડિયા હતું-રાજ્યોનો એક સંઘ હશે, પરંતુ હવે આ રાજ્યોના સંઘ પર પણ હુમલો થઈ રહ્યો છે.

એ જ સમયે આસામના CM હેમંત બિસ્વા સરમાએ X પર રિપબ્લિક ઓફ ભારત લખ્યું છે અને કહ્યું છે કે અમારી સભ્યતા પૂરી મજબૂતાથી અમૃત કાળ કરફ વધી રહી છે.

બીજી બાજુ શુક્રવારે ગુવાહાટીમાં એક કાર્યક્રમમાં સંઘપ્રમુખ મોહન ભાગવતે લોકોને સંબોધિત કરતાં લોકોને અપીલ કરી હતી કે દેશને ઇન્ડિયા નહીં બલકે ભારત કહેવામાં આવે. તેમણે કહ્યું હતું કે સદીઓથી અમારા દેશનું નામ ભારત છે, ઇન્ડિયા નથી.