કોંગ્રેસ અધિવેશનમાં ખડગે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા

અમદાવાદઃ અમદાવાદમાં કોંગ્રેસના 84મા અધિવેશનના છેલ્લા દિવસે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. તેમણે એ દરમ્યાન વિવિધ મુદ્દે ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે વકફ બિલ સંસદમાં પાસ થવાની પ્રક્રિયાથી માંડીને મણિપુર હિંસા મુદ્દે સરકારને ઘેરી હતી. સરકાર પોતાની નિષ્ફળતાઓને છુપાવવાનું કામ કરી રહી છે, એમ તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમેરિકાએ ભારત પર 26 ટકા ટેરિફ લાદ્યો, પરંતુ સંસદમાં આ મુદ્દા પર ચર્ચા થવા દેવામાં આવી નથી.

તેમણે કહ્યું હતું કે જાહેર મિલકતો વેચવામાં આવી રહી છે. તેઓ સરકારી નોકરીઓમાં SC, ST, OBC અનામતને નુકસાન પહોંચાડી રહ્યા છે. જો આમ જ ચાલુ રહ્યું, તો એક દિવસ મોદીજી દેશ વેચીને ચાલ્યા જશે. એરપોર્ટ, બંદર, માઈનિંગ- બધું જ તેમના ઉદ્યોગપતિ મિત્રોને આપવામાં આવી રહ્યું છે. આ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે.

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે સરકાર ચૂંટણી પંચથી શરૂ કરીને દરેક જગ્યાએ દખલ કરી રહી છે. ચૂંટણીમાં કૌભાંડ ચાલી રહ્યું છે. વિકસિત દેશોએ EVMનો ઉપયોગ છોડી દીધો અને બેલેટથી મતદાન કરવામાં આવી રહ્યું છે. ફક્ત આપણા દેશમાં જ EVM છે. આ બધું ફ્રોડ છે.

તેમણે કહ્યું હતું  કે મહારાષ્ટ્રમાં શું થયું? રાહુલ ગાંધીએ સંસદમાં પ્રશ્ન ઉઠાવ્યો, પણ કોઈ જવાબ ન મળ્યો. મહારાષ્ટ્રમાં નકલી મતદાર યાદીથી ચૂંટણી જીતવામાં આવી. હરિયાણામાં પણ એવું જ બન્યું. ભાજપે 150 બેઠકો પર ચૂંટણી લડી અને 138 બેઠકો જીતી. કોઈ 90 ટકા બેઠકો કેવી રીતે જીતી શકીએ? મતદાર યાદીમાં ખામીઓ છે, તેને કોઈ રોકી રહ્યું નથી.