નવી દિલ્હીઃ કર્ણાટક સરકારે સરકારી કોન્ટ્રેક્ટોમાં મુસ્લિમો માટે ચાર ટકા અનામનો પ્રસ્તાવ મૂક્યો છે. આ નિર્ણય કર્ણાટક ટ્રાન્સપરન્સી ઇન પબ્લિક પ્રોક્યોરમેન્ટ્સ (KTPP) એક્ટમાં સંશોધન કરીને લાગુ કરવામાં આવશે. જોકે ભાજપે માઇનોરિટી અપીજમેન્ટ બતાવીને વિરોધ કર્યો છે. સત્તારૂઢ કોંગ્રેસનું કહેવું છે કે આ સામાજિક રીતે પછાત સમાજને ન્યાય આપવાનું પગલું છે.
CM સિદ્ધારમૈયાએ મુસ્લિમ અનામતને આધારે અહિંદા (લઘુમતી, પછાત અને દલિત વર્ગ)નું સમર્થન એકત્ર કરવાની યોજના બનાવી છે. આ સમુદાયો કોંગ્રેસની મુખ્ય વોટ બેન્ક રહ્યા છે. જેને કારણે મુસ્લિમ અનામત મુદ્દે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકારણ ગરમાયું છે.
સિદ્ધારમૈયા સરકારે વિધાનસભાના વર્તમાન બજેટ સત્રમાં આ સુધારો લાવવાની વ્યૂહરચના બનાવી છે. આના દ્વારા જ અનામતનો અમલ કરવામાં આવશે. કર્ણાટકના નાણાં વિભાગે તેની બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે અને કાયદા અને સંસદીય બાબતોના મંત્રી એચ.કે. પાટીલે સુધારાને મંજૂરી આપી દીધી છે.
કર્ણાટકમાં અત્યાર સુધી SC-ST સમુદાયના કોન્ટ્રેક્ટર માટે 24 ટકા અનામત ઉપલબ્ધ છે. આ સિવાય OBC કેટેગરી-1 માટે 4 ટકા અને OBC કેટેગરી-2A માટે 15 ટકા અનામતની જોગવાઈ છે. આ રીતે સરકારી કોન્ટ્રેક્ટમાં 43 ટકા અનામત આપવામાં આવી રહી છે. જો સિદ્ધારમૈયા સરકાર મુસ્લિમ સમુદાય માટે ચાર ટકા અનામત લાગુ કરે છે, તો સરકારી કોન્ટ્રેક્ટમાં કુલ અનામત વધીને 47 ટકા થઈ જશે.
