રાજકોટ: ગુજરાતના સહકારી બેન્કિંગ ક્ષેત્રના ઇતિહાસની પહેલી ઘટના ગોંડલમાં બની છે. હાલ જૂનાગઢ જેલમાં મારામારીના એક કેસમાં જેલમાં રહેલા જ્યોતિરાદિત્યસિંહ જયરાજસિંહ જાડેજા ગોંડલ નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરની ચૂંટણીમાં ભારે લીડથી વિજેતા બન્યા છે. આજે વહેલી સવારે બેંકની ચૂંટણીના પરિણામો જાહેર થતાં ગોંડલમાં ભાજપ અને ધારાસભ્ય જૂથના કાર્યકરોએ આતશબાજી કરી ઉજવણી કરી હતી.
જ્યોતિરાદિત્ય ઉર્ફે ગણેશ જયરાજસિંહ જાડેજા વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર છે. ગોંડલ નાગરિક બેંકના 11 ડાયરેક્ટરોની ચૂંટણી જાહેર થતાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પોતાનું ગોંડલ પંથકમાં વર્ચસ્વ અકબંધ છે તે બતાવવા અને પોતાના પુત્ર ગણેશને રાજકીય મોરચે લોન્ચ કરવા ગણેશ જેલમાં હોવા છતાં બેંકની ચૂંટણી લડાવી હતી. ધારાસભાની ચૂંટણી જેવો ગોંડલ બેંકની ચૂંટણીનો માહોલ હતો.
ગત રવિવારે કડવા પટેલ સમાજની વાડી ખાતે મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા હતા. સાંજ સુધી મતદાન થયા બાદ રાત્રે 8 વાગ્યે મતગણતરી હાથ ધરાઇ હતી. બેંકના 11 ડિરેક્ટરની ચૂંટણીમાં ગણેશ ઉપરાંત ભાજપ પ્રેરિત પેનલના તમામ 11 ઉમેદવારો જંગી લીડથી ચૂંટાયા હતા. સામા પક્ષે કોંગ્રેસ પ્રેરિત યતિશ દેસાઈની પેનલના તમામ ઉમેદવારોની હાર થઈ હતી. એક અપક્ષ ઉમેદવાર પ્રતિપાલ સિંહ ઝાલાની ડિપોઝિટ જપ્ત થઈ હતી.
કુલ 58,000 જેટલા મતદારોમાંથી 10,000 જેટલા મત પડ્યા હતા. તેમાંથી ગણેશ જાડેજાને 5999 અને બેંકના ચેરમેન અશોક પીપળીયાને 6,327 મત મળ્યા હતા. બેંકના વર્તમાન ચેરમેન જંગી લીડથી ફરી ચૂંટાયા છે. ગુજરાતના સહકારી ક્ષેત્રમાં કોઈ જેલમાંથી ચૂંટણી લડ્યા હોય અને જીત્યા હોય તેવી આ પ્રથમ ઘટના છે. અગાઉ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી જેલમાંથી જીત્યા હોય તેવા અનેક ઉદાહરણો છે.
( દેવેન્દ્ર જાની – રાજકોટ)
(તસવીર – પીન્ટુ ભોજાણી, ગોંડલ)