નવી દિલ્હીઃ મોદી સરકારની મહત્વની અને મહત્ત્વાકાંક્ષી યોજના જલ જીવન મિશનમાં આર્થિક અનિયમિતતાઓ સામે આવતાં 15 રાજ્યોમાં 596 અધિકારીઓ, 822 કોન્ટ્રેક્ટરો અને 152 થર્ડ-પાર્ટી ઈન્સ્પેક્શન એજન્સીઓ (TPIA) સામે તપાસ ચાલી રહી છે.
અનેક કેસોમાં CBI, લોકાયુક્ત અને અન્ય ભ્રષ્ટાચારવિરોધી એજન્સીઓ પણ તપાસ કરી રહી છે. આ 15 રાજ્યોમાંથી જલ જીવન મિશનને લઈને કુલ 16,634 ફરિયાદો નોંધવામાં આવી છે, જેમાંથી 16,278 ફરિયાદોનો તપાસ રિપોર્ટ તૈયાર કરવામાં આવી છે. સૌથી વધુ ફરિયાદો ઉત્તર પ્રદેશમાંથી- કુલ 14,264, આસામમાં 1236 અને ત્રિપુરામાં 376 ફરિયાદો નોંધવામાં આવી છે.
એક બાજુ ફરિયાદોનો પણો ભારે આંક છે, તો બીજી બાજુ અધિકારીઓ પર કાર્યવાહી પણ થઈ છે. ઉત્તર પ્રદેશમાં 171, રાજસ્થાનમાં 170 અને મધ્ય પ્રદેશમાં 151 અધિકારીઓ પર કાર્યવાહી થઈ છે. એ જ રીતે ઘણા કોન્ટ્રેક્ટર પણ બચી શક્યા નથી. ત્રિપુરામાં 376, ઉત્તર પ્રદેશમાં 143 અને પશ્ચિમ બંગાળમાં 142 કોન્ટ્રેક્ટર સામે પગલાં લેવામાં આવ્યાં છે.રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે જેમણે અનિયમિતતા અંગે રિપોર્ટ મોકલ્યા છે, તે રાજ્યોમાં છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, લદ્દાખ, મણિપુર, મેઘાલય, મિઝોરમ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે.
જલ જીવન મિશનની ગાઈડલાઈન્સમાં ત્રણ વર્ષ પહેલાં કરાયેલા બદલાવને કારણે ઘણા પ્રોજેક્ટોની કિંમત ઘણીં વધી છે. તપાસ મુજબ 14,586 યોજનાઓ પર કુલ 16,839 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થયો.
જલ જીવન મિશનની શરૂઆત 2019માં મોદી સરકારે કરી હતી. તેનો હેતુ 2024 સુધી દરેક ગ્રામ્ય ઘરને નળ દ્વારા પાણીનું જોડાણ પહોંચાડવાનો હતો. જોકે 1 ફેબ્રુઆરી, 2025ના બજેટ ભાષણમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે આ યોજના માટે 2028 સુધી નાણાકીય સહાય આપવામાં આવશે.


