શું કોરોનાની વેક્સિનને કારણે આવી રહ્યા છે હાર્ટ એટેક?

નવી દિલ્હીઃ પાર્ટીમાં ડાન્સ કરતી વખતે, લગ્ન દરમિયાન, જિમમાં ટ્રેડમિલ પર દોડતી વખતે કે ડમ્બલ ઉઠાવતા લોકોને હાર્ટ એટેક આવવો અને તરત જ તેમનું મોત થવું – આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જેને કારણે લોકોમાં ચિંતા વધી છે. તાજેતરમાં કર્ણાટકના હાસન જિલ્લામાં 40 દિવસમાં 20થી વધુ લોકો હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા છે. આ હાર્ટએટેક માટે કર્ણાટક સરકારે કોરોનાની વેક્સિનને જવાબદાર ઠેરવી છે.

હવે કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય તરફથી નિવેદન આવ્યું છે અને રિસર્ચને આધાર પર વેક્સિનને કારણે હાર્ટ એટેક આવવાના દાવાઓને ખંડન કર્યું છે.

સિદ્ધારમૈયા સરકારે વેક્સીનને જવાબદાર ઠેરવી

કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારે દાવો કર્યો હતો કે કોરોના વાયરસની વેક્સિનને કારણે હાર્ટ એટેકના કેસોમાં વધારો થયો છે. જેના કારણે ફરીથી વેક્સીન અને હાર્ટ એટેક વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં એની ચર્ચા શરૂ થઈ.

કેન્દ્ર સરકારએ તમામ દાવાઓને ખોટા ગણાવ્યા

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે યુવાનોમાં વધી રહેલા હાર્ટ એટેકના કેસો અને કોરોના વેક્સિન વચ્ચે કોઈ સંબંધ નથી. મંત્રાલયે કહ્યું હતું કે ICMR દ્વારા કરાયેલા અભ્યાસોમાં આવા દાવાઓની કોઈ પુષ્ટિ થઈ નથી. તેથી વેક્સિનને લગતા બધા દાવાઓ સંપૂર્ણપણે ખોટા અને આધારવિહીન છે.