અમદાવાદઃ કચ્છમાં સાત વોર્ડની ૨૮ બેઠકો ધરાવતા ભચાઉ પાલિકામાં જ ચૂંટણી પહેલાં ભાજપને બહુમતી મળી છે તો જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ ભાજપના ૧૦ ઉમેદવારો બિન હરીફ બન્યા છે. રાજ્યમાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાય એ પહેલાં જ કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે કે ભાજપ દ્વારા પાડવામાં આવી રહ્યું છે એ એક સવાલ છે? કેમ કે નગરપાલિકા,તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોનાં ફોર્મ ચકાસણીના અંતે કેટલીક પાલિકા-પંચાયતમાં ભગવો લહેરાયો હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપે પોલીસ અને વહીવટી તંત્રને જોરે કોંગ્રેસના ઉમેદવારોને યેનકેનપ્રકારેણે ફોર્મ પરત ખેંચાવ્યાં છે, એવા આક્ષેપો થઈ રહ્યા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશીએ જણાવ્યું હતું કે નગરપાલિકાની તમામ બેઠક પર કોંગ્રેસ લડી રહી છે, પરંતુ ભાજપ લોકતાંત્રિક પ્રક્રિયાને બદલે ડર અને ભયનું વાતાવરણ ઊભું કરી રહ્યો છે
સ્થાનિક ચૂંટણી પહેલા ભાજપ 20 બેઠકો પર બિનહરીફ
હાલોલ નગરપાલિકામાં મતદાન પ્રક્રિયા પૂર્વે જ ભાજપ સત્તામાં આવ્યું છે. ભાજપ 20 બેઠકો પર બિનહરીફ વિજેતા જાહેર થયું છે. ચૂંટણી અધિકારી દ્વારા નવ વોર્ડની 36 બેઠકો માટે 72માંથી 67 ઉમેદવારી પત્રો માન્ય રાખવામાં આવ્યા હતા, પાંચ ફોર્મ રદ કરવામાં આવ્યા હતા, જેમાં ભાજપના મેન્ડેટ વગરના ચાર અને આપનું એક ફોર્મ સામેલ છે. ત્યાર બાદ 15 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધા હતા. હાલોલ નગરપાલિકામાં નવ વોર્ડમાંથી પાંચ વોર્ડમાં ભાજપ બિનહરીફ વિજેતા જાહેર થયું છે. સ્થાનિક ચૂંટણીમાં ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા દબાણ કરાતું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.
રાજ્યમાં 68 નગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાવાની છે. રાજ્યના રાજકારણમાં હવે ધીમે-ધીમે ગરમાટો આવી રહ્યો છે, કારણ કે ઉમેદવારી કરવા કરતાં ઉમેદવારી પાછી ખેંચવામાં હોડ જામી છે. ઉમેદવારી ચકાસાણીમાં ધડાધડ ફોર્મ રદ થતા અનેક બેઠકો બિનહરીફ થઈ રહી છે. આ કારણે કોંગ્રેસમાં રોષ છે. કોંગ્રેસે હવે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવાનું નક્કી કર્યુ છે. આજે ચૂંટણી પંચને તમામ મુદ્દા અંગે રજૂઆત કરાશે.