નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં જલપ્રલયે માત્ર સેંકડો લોકોના જીવ લીધા નથી, પરંતુ એક પ્રકારની લોકડાઉનની સ્થિતિ પણ ઊભી કરી છે. પાકિસ્તાનમાં દેશવ્યાપી ઈન્ટરનેટ બંધથી વેપાર, નાણાકીય સેવાઓ અને સામાન્ય જનજીવન ભારે અસરગ્રસ્ત થયું. ઉદ્યોગ નિષ્ણાતોએ તેને છેલ્લાં કેટલાંક વર્ષોની સૌથી ગંભીર ટેકનિકલ ખામી ગણાવી છે.
વાયરલેસ એન્ડ ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ એસોસિયેશન ઓફ પાકિસ્તાન મુજબ અંદાજે દેશના લગભગ બે તૃતીયાંશ ઇન્ટરનેટ ગ્રાહકો આ વિક્ષેપથી પ્રભાવિત થયા છે. એટલે કે પાકિસ્તાનમાં દરેક 3માંથી 2 લોકોને ઈન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ નહોતી. બે વર્ષ પહેલાં પણ પાકિસ્તાનમાં વિશાળ પૂરને કારણે ફાઈબર રૂટને નુકસાન પહોંચતાં દેશવ્યાપી ઈન્ટરનેટ બંધ થયું હતું.ડિજિટલ ક્ષેત્રની નબળી સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં વાયરલેસ એન્ડ ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ એસોસિએશન ઓફ પાકિસ્તાનના અધ્યક્ષ શાહજાદ અર્શદે જણાવ્યું હતું કે આ એક રાષ્ટ્રીય નિષ્ફળતા છે. ઇન્ટરનેટ બંધ થવું હવે પાકિસ્તાનમાં કોઈ દુર્લભ ઘટના રહી નથી, 2025માં પણ દેશના બે તૃતીયાંશ ટકા ઈન્ટરનેટનું ઠપ થવું, એ સરકાર માટે ખતરની ઘંટડી છે.
તેમણે કહ્યું કે હવે ઈન્ટરનેટ વીજળી જેટલું જ જરૂરી બની ગયું છે કારણ કે ફ્રીલાન્સર, હોસ્પિટલો, વિદ્યાર્થી અને બેંક – બધું જ કામકાજ ઈન્ટરનેટ પર આધારિત છે. અર્શદે ચેતવણી આપી હતી કે દરેક કલાકની બંધથી પાકિસ્તાનને કરોડોનું નુકસાન થાય છે અને અમારી આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા પણ અસરગ્રસ્ત થાય છે.
પાકિસ્તાન ટેલિકોમ્યુનિકેશન કંપની લિમિટેડે મધરાત બાદ સંદેશ આપ્યો કે તેમની સેવાઓમાં મુશ્કેલી આવી રહી છે અને ટીમો જલદી પુનઃસ્થાપન માટે કાર્યરત છે. અસુવિધા બદલ ખેદ છે. ઈન્ટરનેટ મોનિટરિંગ ગ્રુપ નેટબ્લોક્સે એક્સ પર પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે મેટ્રિક્સ બતાવે છે કે પાકિસ્તાનમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી મોટા પાયે વિક્ષેપગ્રસ્ત થઈ છે.
