ન્યૂયોર્કઃ ‘ટ્વિટર’ હાલ વિવાદના વંટોળમાં ફસાયેલી છે ત્યારે ‘મેટા’ કંપનીના માલિક માર્ક ઝુકરબર્ગે ટ્વિટરના માલિક ઈલોન મસ્કને એક વધુ ફટકો માર્યો છે. એમણે પોતાના જ ગ્રુપની માલિકીના ‘ઈન્સ્ટાગ્રામ’ પ્લેટફોર્મના ટેક્સ્ટ-આધારિત સોશ્યલ મિડિયા નેટવર્કિંગ પ્લેટફોર્મ ‘થ્રેડ્સ’ને લોન્ચ કરી દીધું છે. આ એપ ટ્વિટરનો સીધો મુકાબલો કરવા માટે શરૂ કરવામાં આવી છે. થ્રેડ્સ એપ પર પ્રથમ પોસ્ટ ઝુકરબર્ગે મૂકી છે અને એમાં તેમણે લખ્યું છે: ‘ચાલો આ કરીએ. થ્રેડ્સમાં તમારું સ્વાગત છે.’ આ લખાણની સાથે એમણે ફાયર (આગ)નું ઈમોજી પણ મૂક્યું છે. દેખીતી રીતે એમના કહેવાનો ઈશારો એવો છે કે થ્રેડ્સ શરૂ થતાં એના હરીફો ભલે ઈર્ષ્યાથી બળી જાય.
થ્રેડ્સ એપ લોન્ચ કરાયા બાદ પહેલા બે જ કલાકમાં 20 લાખ લોકોએ તેમાં સાઈન-અપ કર્યું હતું.
થ્રેડ્સ એપ ટ્વિટર જેવા જ ફિચર્સવાળી છે. યૂઝર્સ એમાં ટૂંકી ટેક્સ્ટ પોસ્ટ મૂકી શકે છે, કોઈની પોસ્ટને લાઈક કરી શકે છે, રી-પોસ્ટ કરી શકે છે અને જવાબ પણ આપી શકે છે. થ્રેડ્સમાં તમે 500-અક્ષરોવાળી લાંબી પોસ્ટ મૂકી શકો છો અને એમાં તમે કોઈ વેબસાઈટ લિન્ક, તસવીરો અને પાંચ મિનિટ લાંબા વિડિયો પણ સામેલ કરી શકો છો. ટ્વિટર પર રેગ્યૂલર યૂઝર્સ માટે પ્રતિ પોસ્ટમાં અક્ષરોની મર્યાદા 280ની છે. ટ્વિટરના બ્લૂ ધારકોને મહત્તમ 10,000 અક્ષરોનો લાભ મળે છે અને એમને બોલ્ડ તથા ઈટાલિક ટેક્સ્ટ ફોર્મેટિંગનો સપોર્ટ પણ મળે છે. થ્રેડ્સએપ 100થી વધારે દેશોમાં ઉપલબ્ધ છે. તે એપલ એપ સ્ટોર અને ગૂગલના પ્લે સ્ટોર, એમ બંને પર ઉપલબ્ધ છે.
— Mark Zuckerberg (@finkd) July 6, 2023
ફેસબુક સ્થાપક ઝુકરબર્ગે 11 વર્ષમાં પહેલી વાર ટ્વીટ કર્યું છે. એમાં તેમણે સ્પાઈડરમેન પાત્રના બે હરીફ રેખાચિત્રો દર્શાવ્યા છે. આ પોસ્ટ દ્વારા એમણે બળાબળની કસોટી માટે ઈલોન મસ્કને પડકાર ફેંક્યો છે. ઝુકરબર્ગના ટ્વીટને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે અને 44.5 હજાર લાઈક્સ મળ્યા હતા. ઝુકરબર્ગે છેલ્લે 2012ના જાન્યુઆરીમાં ટ્વીટ કર્યું હતું.