બીજિંગઃ ચીનના અનેક શહેરોમાં કોરોનાવાઈરસ ચેપી બીમારીના કેસ વધી ગયા છે. રાષ્ટ્રીય પાટનગર બીજિંગમાં પણ કેસ વધી જતાં ડઝન જેટલા સબવે સ્ટેશનો બંધ કરી દેવામાં આવ્યા છે. સબવે ટ્રેનસેવા બંધ થતાં લાખો લોકોને ફરી એમનાં ઘેરથી જ ઓફિસનું કામ કરવાની ફરજ પડી છે.
ચીનના સત્તાવાળાઓએ લોકડાઉન લાગુ કરવા તથા વ્યાપક કોરોના-ટેસ્ટિંગ જેવા પગલાં અમલમાં મૂકી દીધા છે. આજે બપોર સુધીમાં બીજિંગમાં કોરોનાના નવા 50 કેસ મળતાં સત્તાવાળાઓ વધારે સતર્ક બન્યા છે. લોકો ખાસ જરૂર હોય તો જ પોતાનું વાહન હંકારીને ઓફિસ જાય છે. નહીં તો મોટાભાગનાં લોકો એમના ઘેરથી જ કામ કરી રહ્યાં છે. લોકો સાવચેતીને ખાતર ટોળામાં કે સભાઓમાં જવાનું પણ ટાળી રહ્યાં છે.