ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ફરી એક વાર બજારો અને વેપારી કેન્દ્રોમાં રાત્ર આઠ કલાક પછી અંધકાર છવાઈ જશે. એક પણ દુકાન, ઓફિસ નહીં ખૂલે. સરકારે ફરી વીજ બચાવવા માટે બજારો વેપારી કેન્દ્રોને દૈનિક રાત્રે આઠ કલાકે બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જોકે આ નિર્ણયને વેપારીઓએ ફગાવી દીધો છે. તેમનું કહેવું છે કે રાત્ર આઠ કલાક પછી પિક સમય શરૂ થાય છે.
ધ ડોનના અહેવાલ મુજબ પાકિસ્તાન સરકારે આયાતીત ફ્યુઅલ પર દેશની નિર્ભરતાને ઘટાડવા માટે આગામી નાણાં વર્ષના બજેટમાં વીજળી ક્ષેત્રે સુધારાઓ કરવાનો નિર્ણય લીધો છે. વડા પ્રધાન શહબાઝ શરીફની અધ્યક્ષતામાં મંગળવારે થયેલી બે બેઠકોમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
રાષ્ટ્રીય આર્થિક કાઉન્સિલ (NEC)ની બેઠક પછી યોજનાપ્રધાન અહસાન ઇકબાલે પત્રકારોને જણાવ્યું હતું કે પ્રાંતોએ પહેલી જુલાઈથી જલદી બજાર બંધ કરવા પર સહમતી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે યોજના હેઠળ વીજ બચાવોના પગલાં લેવાની ભલામણ કરવામાં આવી છે, જેમાં રાત્રે આઠ કલાક સુધી દુકાનો અને વેપારી કેન્દ્રોને બંધ કરવાં, LED લાઇટો લગાડવી અને ગિઝરને વધુ એનર્જી સેવિંગ કરવા માટે અપગ્રેડ કરવું.
આ ઉપાયોથી દેશમાં પ્રતિ વર્ષ એક અબજ ડોલર સુધીની બચત કરી શકે છે. જોકે વેપારીઓએ આમ કરવાની ચોખ્ખી ના પાડતાં કહ્યું હતું કે ઉનાળાની રજાઓમાં લોકો બપોરને બદલે રાત્રે આઠથી 11 ખરીદી કરવા નીકળે છે. શું આ દેશના અર્થતંત્રને બચાવવાનો યોગ્ય નિર્ણય છે?
બીજી બાજુ, સાઉદી અરેબિયાએ ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં એક મિલિયન બેરલના કાપ મૂક્યો છે, જે ક્રૂડની કિંમતો પ્રતિ બેરલ 100 ડોલરની ઉપર લઈ જવાનું જોખમ છે. જેને પગલે પાકિસ્તાની અર્થતંત્ર વધુ નબળું પડવાની દહેશત છે.