મોદી, બાઈડન વ્યૂહાત્મક ટેક્નોલોજી ભાગીદારી વધારવા વિશે મંત્રણા કરશે

વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ જો બાઈડન અને ફર્સ્ટ લેડી જિલ બાઈડનનાં આમંત્રણને માન આપીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી 22 જૂને અમેરિકાની સત્તાવાર મુલાકાતે જવાના છે. વ્હાઈટ હાઉસ તરફથી જણાવવામાં આવ્યું છે કે પીએમ મોદી અને પ્રમુખ બાઈડન વચ્ચેની મંત્રણા ઈન્ડો-પેસિફિક (હિંદ મહાસાગર-પ્રશાંત મહાસાગર) ક્ષેત્રને સ્વતંત્ર, મુક્ત, સમૃદ્ધ અને સુરક્ષિત બનાવવા પર કેન્દ્રિત થયેલી હશે.

વ્હાઈટ હાઉસનાં પ્રેસ સેક્રેટરી કેરીન જ્યાં પીએરએ પત્રકારોને જણાવ્યું કે, મોદી અને બાઈડન ભારત-અમેરિકા વચ્ચે વ્યૂહાત્ક ટેક્નોલોજી ક્ષેત્રમાં ભાગીદારીને વધારવા માટે એમણે જે દ્રઢ સંકલ્પ કર્યો છે એની ઉપર પણ તેઓ મંત્રણા વખતે ભાર મૂકશે. આમાં સંરક્ષણ ક્ષેત્ર પર વિશેષ ધ્યાન અપાશે.

અમેરિકાની મુલાકાત વખતે પીએમ મોદી યૂએસ કોંગ્રેસ (સંસદ)ના બંને ગૃહની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. એ સિદ્ધિ હાંસલ કરનાર તેઓ ભારતના પ્રથમ વડા પ્રધાન બનશે.