નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસો ઘટવાને બદલે દિન-પ્રતિદિન વધી રહ્યા છે અને નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. આ વાઇરસના કેસોમાં થતા સતત વધારાથી સરકાર ચિંતામાં આવી ગઈ છે. દેશમાં ગઈ કાલે આ વાઇરસના એક જ દિવસમાં 6654 નવા કેસ સામે આવ્યા હતા જે દેશમાં નવો રેકોર્ડ બન્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના જણાવ્યા મુજબ 7 રાજ્યો – મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, તેલંગાણા, તામિલનાડુ, બિહાર અને કેન્દ્ર શાસિત પ્રદેશ ચંડીગઢમાં છેલ્લા બે સપ્તાહ દરમ્યાન જે રીતે કોરોના વાઇરસની સંખ્યામાં વધારો થયો છે, તે જોતાં ત્યાં લોકડાઉનના નિયંત્રણો જારી રાખવાની જરૂર છે. WHOની સલાહ છે કે જે રાજ્યોમાં પાંચ ટકાથી વધુ કોરોના સંક્રમિત દર્દી છે, ત્યાં લોકડાઉનને સખતાઈપૂર્વક જારી રાખવું જોઈએ.
જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ પ્રકારનો અભ્યાસ કરવામાં આવ્યો છે, જેમાં અમેરિકામાં માત્ર 50 ટકા રાજ્યોથી લોકડાઉન ઉઠાવી શકાય છે. આ જ રીતે ભારતનાં 34 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 21 ટકા આ શ્રેણીમાં આવે છે.
કયા રાજ્યમાં કેટલા દર્દીઓની ટકાવારી
જોન હોપકિન્સ યુનિવર્સિટીના અભ્યાસમાં ભારતનાં 34 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 21 ટકા આ શ્રેણીમાં આવે છે. પાછલી સાત મેના આંકડા મુજબ મહારાષ્ટ્રમાં 18 ટકા, ગુજરાતમાં 9 ટકા, દિલ્હીમાં 7 ટકા, તેલંગાણામાં 7 ટકા, ચંડીગઢમાં છ ટકા, તામિલનાડુમાં પાંચ ટકા અને બિહારમાં પાંચ ટકા કોરોના પોઝિટિવ કેસ છે. આ બધાં રાજ્યોમાં WHOના માપદંડો કરતાં વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ છે.
WHOની એડવાઇઝરી મુજબ સંપૂર્ણ રાજ્ય પર લાગુ નહીં
WHOની એડવાઇઝરી મુજબ સંપૂર્ણ રાજ્ય પર લાગુ નથી થતી, કેમ કે રાજ્યોના કેટલાક જિલ્લા જ કોરોના સંક્રમિત છે. રાજ્યોના કન્ટેન્ટમેન્ટ ઝોન્સ અને હોટસ્પોટ વિસ્તારોમાં- કે જે મોટા ભાગના શહેરી વિસ્તારોમાં લોકકડાઉનનું સખતાઈથી પાલન કરવામાં આવવું જોઈએ. આ ઉપરાંત જ્યાં સંક્રમણ વધુ ફેલાવાની શક્યતા હોય ત્યાં કેવી રીતે આ વાઇરસનો ફેલાવો ઓછો કરી શકાય એ માટે કામ કરવું જોઈએ.
દેશમાં કોરોના સંક્રમણના કુલ કેસો સવા લાખને પાર થયા છે. છેલ્લા 24 કલાકમાં આ વાઇરસથી 137 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી કોરોના વાઇરસથી 3720 લોકોનાં મોત થયાં છે. દેશમાં કોરોના વાઇરસના સતત વધતા કેસોને જોતાં વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ દેશના સાત રાજ્યોમાં લોકડાઉનમાં રાહત ન આપવાની સલાહ આપી છે.