અમારી પાસે પેટ્રોલ ખરીદવા નાણાં નથીઃ શ્રીલંકા

કોલંબોઃ શ્રીલંકાની પાસેના સમુદ્ર ક્ષેત્રમાં આશરે બે મહિનાથી પેટ્રોલથી લદાયેલું જહાજ ઊભું છે, પણ ચુકવણી કરવા માટે એની પાસે વિદેશી કરન્સી નથી. સરકારે કહ્યું છે કે દેશની પાસે ડીઝલનો પર્યાપ્ત ભંડાર છે. 28 માર્ચથી શ્રીલંકન સમુદ્રી ક્ષેત્રમાં પેટ્રોલથી લદાયેલું એક જહાજ લંગર નાખીને ઊભું છે, પણ એની ચુકવણી માટે શ્રીલંકાની પાસે ડોલર ઉપલબ્ધ નથી, એમ વીજપ્રધાન કંચના વિજેસેકરાએ સંસદને જણાવ્યું હતું.

આ સિવાય જાન્યુઆરી, 2022માં એ જ જહાજની પાછલી ખેપની 5.3 કરોડ ડોલરની રકમ પણ બાકી છે. શિપિંગ કંપનીએ બંનેની ચુકવણી થવા સુધી જહાજને છોડવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે એ જ કારણે અમે લોકોને વિનંતી કરી છે કે ફ્યુઅલ માટે લાઇન માટે લાઇનના રાહ ના જુઓ. જોકે ડીઝલને લઈને કોઈ સમસ્યા નથી. પણ અમારી પાસે પેટ્રોલનો સીમિત સ્ટોક છે અને એને જરૂરી સેવાઓ –ખાસ કરીને એમ્બ્યુલન્સ માટે વિતરિત કરવાના પ્રયાસ કરી રહ્યા છીએ, એમ તેમણે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે જૂનમાં શ્રીલંકામાં ફ્યુઅલની આયાત કરવા માટે 53 કરોડ ડોલરની જરૂર પડશે. શ્રીલંકાને ફ્યુઅલની પાછલી આયાત ખેપ માટે 70 કરોડ ડોલરથી વધુની ચુકવણી કરવાની છે.

ચીન દ્વારા શ્રીલંકામાં સૂકા અનાજ વહેંચવા પર વિદેશ સેવા અધિકારી સંગઠન (FSOA)માં આક્રોશ ઊભો થયો છે. તેમનું કહેવું છે કે વિદેશી અધિકારીઓને પ્રભાવિત કરવા માટે ચીન દાળ અને ચોખા જેવા સૂકા અનાજને વહેંચવા પ્રયાસ કરી રહ્યું છે.