ઘઉંના કોવિડ19ની રસીવાળા હાલ ના થવા જોઈએઃ ભારત

નવી દિલ્હીઃ ભારતે ઘઉંની નિકાસ પરના પ્રતિબંધને વાજબી ઠેરવતાં પશ્ચિમી દેશોને આહવાન કરતાં જણાવ્યું હતું કે અનાજનું વિતરણ કોરોનાની રસીના અનિયમિત અને ભેદભાવયુક્ત વિતરણની જેમ ના થવું જોઈએ. નવી દિલ્હીએ ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો એ પછી વિશ્વ બજારમાં ઘઉંની કિંમતોમાં ઉછાળો આવ્યો હતો, જેથી પશ્ચિમી દેશો એ માટે ભારતને દોષી ઠેરવ્યું હતું, પણ પશ્ચિમી દેશોને ભારતે રોકડું પરખાવતાં કહ્યું હતું કે એ જરૂરિયાતવાળા લોકોની જરૂરિયાતને પૂરી કરી શકે છે.

અમેરિકાની આગેવાનીમાં સંયુક્ત રાષ્ટ્ર ખાદ્ય સુરક્ષાની પ્રધાન સ્તરની બેઠકમાં વિદેશ રાજ્યપ્રધાન વી. મુરલીધરને જણાવ્યું હતું કે ભારત જેવા  ઓછી આવકવાળા ધરાવતા વિવિધ વર્ગ ઘઉંની વધતી કિંમતો અને તેની પહોંચ સુધી મુશ્કેલીના બેવડા પડકારોનો સામનો કરી રહ્યા છે. એ સ્પષ્ટ છે કે જમાખોરી અને અફવા કામ કરી રહી છે.

તેમણે ઘઉંની વૈશ્વિક કિંમતોમાં નોંધપાત્ર વધારાને વાજબી ઠેરવતાં કહ્યું હતું કે અમારી ખાદ્ય સુરક્ષાની પ્રાથમિકતા છે અને ઘઉંની વધતી કિંમતોએ અમારા પડોસીઓ અને નબળા દેશોની ખાદ્ય સુરક્ષાને જોખમમાં મૂકી દીધી છે. તેમણે કહ્યું હતું કે કોરોના રોગચાળામા પણ અમે પડોશી દેશો અને આફ્રિકા સહિત કેટલાય દેશોને તેની ખાદ્ય સુરક્ષા મજબૂત કરવા માટે હજ્જારો મેટ્રિક ટન ઘઉં, ચોખા, દાળ અને કઠોળ સ્વરૂપે ખાદ્ય સહાયતા કરી છે. ભારતે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા પછી તરત G-7 દેશોએ ભારતની આકરી ટીકા કરી હતી, પણ ભારતે આ દેશોને સણસણતો જવાબ આપ્યો હતો.