વોશિંગ્ટનઃ વર્લ્ડ બેન્કના કાર્યાલયના વિશાળ દરવાજાઓની પાછળ સુરક્ષા ચોકિયાતો પહેરો ભરી રહ્યા છે, પરંતુ સાવ નવરા જેવા લાગ છે. બહાર, વોશિંગ્ટન ડી.સી.ની ફૂટપાથો મોટે ભાગે ખાલી દેખાય છે.
બેન્ક ખુલ્લી છે, ગ્રાહકોને સેવા આપવા સજ્જ છે, પરંતુ ગ્રાહકો ગેરહાજર છે. બેન્કમાં પણ આજકાલ મીટિંગો વર્ચ્યુઅલ માધ્યમથી જ યોજાય છે.
બાજુમાં જ, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)નું હેડક્વાર્ટર-2 બિલ્ડિંગ આવેલું છે. ત્યાં તો બોર્ડ જ મૂકી દેવામાં આવ્યું છે, ‘કામચલાઉ બંધ છે’. જોકે આ બોર્ડ તો છેલ્લા છ મહિનાથી લટકતું જોવા મળે છે.
અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી આડે હવે માત્ર એક જ મહિનો બાકી રહી ગયો છે ત્યારે અમેરિકાના રાજકારણના કેન્દ્રસમું વોશિંગ્ટન શહેર – રાષ્ટ્રીય પાટનગર કોરોના વાઈરસ રોગચાળાને કારણે સામાજિક અને આર્થિક પ્રવૃત્તિઓના અભાવને કારણે સૂમસામ દેખાય છે.
અમેરિકામાં કોરોનાના કેસો વધતા જ જાય છે. વોશિંગ્ટન શહેરમાં શનિવારે વધુ 609 કેસ નોંધાયા હતા. હવે તો દેશના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ મહાબીમારીના શિકાર બની ગયા છે અને મિલિટરી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. એમના પત્ની, ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. તેઓ હોમ-ક્વોરન્ટાઈન સ્થિતિમાં છે.