ભારતના શત્રુતાપૂર્ણ વલણને કારણે 1998માં પરમાણુ પરીક્ષણ કર્યું: પાકિસ્તાન

ઈસ્લામાબાદ- પાકિસ્તાને દાવો કર્યો છે કે, ભારતના શત્રુતાપૂર્ણ વલણને કારણે તેને બે દાયકા પહેલાં વર્ષ 1998માં પરમાણુ પરીક્ષણ કરવાની ફરજ પડી હતી. 28 મે 1998ના રોજ કરવામાં આવેલા પરમાણૂ પરીક્ષણની 20મી વર્ષગાંઠના પ્રસંગે આ અંગે વિધાન પરિષદના પ્રવક્તા મોહંમદ ફૈઝલે જણાવ્યું હતું.મોહંમદ ફૈઝલે તેના નિવેદનમાં ભારપૂર્વક જણાવ્યું કે, ભારત દ્વારા કરવામાં આવેલા પરમાણુ પરીક્ષણોએ અણુશસ્ત્રો મુક્ત દક્ષિણ એશિયાની શક્યતાઓને સમાપ્ત કરી દીધી છે. તેમણે ભારત તરફ ઈશારો કરતા જણાવ્યું કે, ‘પરમાણુ પરીક્ષણો અને તેના પડોશીઓ દ્વારા પ્રદર્શિત કરવામાં આવતા શત્રુતાપૂર્ણ વલણને કારણે સ્વબચાવની પ્રક્રિયારુપે પાકિસ્તાનને આ નિર્ણય લેવો પડ્યો  હતો. કમનસીબે આ પ્રવૃત્તિઓના કારણે દક્ષિણ એશિયાને અણુશસ્ત્રોથી મુક્ત કરવાની સંભાવનાઓ ઉપર પૂર્ણવિરામ લાગી ગયું છે’.

ઉલ્લેખનીય છે કે, ભારતે વર્ષ 1998ના મે મહિનામાં પોખરણમાં 5 પરમાણુ પરીક્ષણ કર્યા હતાં. ત્યારબાદ પાકિસ્તાને પણ પરમાણુ પરીક્ષણ કર્યાં હતા. વિધાન પરિષદના પ્રવક્તા મોહંમદ ફૈઝલે જણાવ્યું કે, પરમાણુ પરીક્ષણો કરવા છતાં પાકિસ્તાન તેની પરમાણુ અપ્રસાર અને વૈશ્વિક શાંતિ તેમજ વ્યૂહાત્મક સ્થિરતાની પ્રતિબદ્ધતાનો અમલ ચાલુ રાખશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]