ભાગેડૂ માલ્યાને કર્ણાટકની ચૂંટણીમાં મતદાન કરવું છે

લંડન – લિકર ઉદ્યોગના મહારથી અને ભારતમાંથી ભાગેડૂ જાહેર કરાયેલા વિજય માલ્યાએ આજે કહ્યું છે કે આવતી 12 મેએ નિર્ધારિત કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવાનો એનો લોકતાંત્રિક અધિકાર છે. જોકે એણે ઉમેર્યું છે કે હાલ પરિસ્થિતિ એવી છે કે પોતે મત આપી શકે એમ નથી.

માલ્યા ભારતમાંથી ગુપચુપ બ્રિટનમાં ભાગી ગયો છે. ભારત સરકારે એના પ્રત્યાર્પણ માટે કેસ કર્યો છે અને લંડનની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટની અદાલતમાં એની કાર્યવાહી ચાલે છે. ભારત સરકારે રૂ. 9000 કરોડની રકમ જેટલી છેતરપીંડી અને મની લોન્ડરિંગ ગેરપ્રવૃત્તિ કરવા બદલ માલ્યા પર આરોપ મૂક્યો છે અને એ માટે એના પ્રત્યાર્પણ માટે લંડનની કોર્ટમાં કેસ કર્યો છે.

માલ્યા કર્ણાટકમાંથી રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યો હતો.

એએનઆઈ સમાચાર સંસ્થાએ 62 વર્ષના માલ્યાને એવું કહેતા ટાંક્યો છે કે કર્ણાટકની ચૂંટણીમાં મતદાન કરવાનો પોતાને લોકતાંત્રિક અધિકાર છે, પણ મારા જામીનની શરતો એવી છે કે હું બ્રિટનમાંથી બહાર નીકળી શકું એમ નથી.

માલ્યા 2016ના માર્ચથી બ્રિટનમાં રહે છે.

માલ્યાની બંધ કરી દેવાયેલી કિંગફિશર એરલાઈન્સ કંપનીએ ભારતની અનેક બેન્કો પાસેથી રૂ. 9000 કરોડ જેટલી લોન લીધી છે, પણ એ પાછી ચૂકવી નથી અને પોતે બ્રિટન ભાગી ગયો છે. ભારતની વિનંતીથી ઈસ્યૂ કરાયેલા એક્સ્ટ્રાડિશન વોરન્ટ ઉપર સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે 2017ના એપ્રિલમાં માલ્યાની ધરપકડ કરી હતી. માલ્યા 6,50,000 પાઉન્ડની કિંમતના બોન્ડ પર જામીન પર છૂટ્યો છે.