કિમ જોંગ સરહદ પાર કરીને પહોંચ્યા દક્ષિણ કોરિયાની મુલાકાતે

નવી દિલ્હીઃ નોર્થ કોરિયાના નેતા કિમ જોંગ ઉને આજે પોતાના દેશની સરહદ પાર કરીને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન કિમ જોંગે જણાવ્યું કે લાઈન પાર કરવી એટલી પણ મુશ્કેલ નહોતી. જ્યારે હું ચાલીને આવી રહ્યો હતો તો વિચારી રહ્યો હતો કે શા માટે આટલું અઘરૂં હતું અહીંયા સુધી આવવું? આપને જણાવી દઈએ કે કિમ અને મૂન વચ્ચે ઐતિકાસિક શિખર વાર્તા થવાની છે. આ વાર્તામાં ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમ સહિત ઘણા મુદ્દે ચર્ચા થશે. કિમ જોંગ 1950-53ના કોરિયન યુદ્ધની સમાપ્તિ બાદથી દક્ષિણ કોરિયાની ધરતી પર પગ મુકનારા પહેલાં ઉત્તર કોરિયાના શાસક છે.

કિમ જોંગ ઉને જણાવ્યું કે આ બોર્ડર એટલી પણ મોટી નહોતી કે પાર ન કરી શકાય. અહીંયા આવવું ખૂબ જ સરળ હતું પરંતુ અમને અહીંયા આવતા ઘણા વર્ષો લાગી ગયા. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂને જણાવ્યું કે બોર્ડરની લાઈન એ ભાગલાનું નહી પરંતુ શાંતિનું નવું પ્રતિક છે.

સંમેલનની શરૂઆતના સત્ર પછી બન્ને પક્ષ એક સંમિશ્ર કાર્ય સાથે મળીને વૃક્ષારોપણ કરતા પહેલા જુદાં-જુદાં બપોરનું ભોજન કરશે. ત્યારબાદ બન્ને નેતાઓની વચ્ચે સંક્ષિપ્ત અને અનૌપચારિક વાટાઘાટો પણ થશે. પ્રાપ્ત માહિતી અનુસાર આ બેઠકમાં અંતે મૂન અને કિમ જોંગ એક કરાર પર હસ્તાક્ષર કરશે અને એક જાહેરાત કરશે.

બન્ને નેતાઓની વચ્ચે વાતચીતમાં ઉત્તર કોરિયાના વિવાદાસ્પદ પરમાણુ કાર્યક્રમ વિશે વાતચીત થવાની આશા છે. દક્ષિણ કોરિયાએ આ બાબતે ધ્યાન આપ્યું છે કે ઉત્તર કોરિયાને પરમાણુ હથિયારોનો કાર્યક્રમ છોડી દેવા માટે મનાવવું અત્યંત મુશ્કેલ પડશે. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાના નેતાઓની વચ્ચે એક દાયકા પહેલા થયેલ મુલાકાત બાદ સ્થિતિ ખૂબ બદલાઈ ગઈ છે.

દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા વચ્ચે થઈ રહેલું આ ઐતિહાસિક સમ્મેલન પનમુનઝોમમાં થઈ રહ્યું છે. પનમુનઝોમ એ ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચેની જગ્યા છે અને અહીંયા ઉત્તર કોરિયા, દક્ષિણ કોરિયા અને અમેરિકી સૈનિકો દિવસ રાત એકબીજા સાથે રૂબરૂ થાય છે. વર્ષ 1953ના કોરિયન યુદ્ધ પછી અહીંયા સૈન્ય વિરામ લાગુ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]