રશિયન મિસાઈલ ડિફેન્સ સોદો રોકવા ભારતને ઓફર આપી શકે છે અમેરિકા

વોશિંગ્ટન- રશિયા સાથે ભારતનો આશરે 39 હજાર કરોડ રુપિયાના S-400 ડિફેન્સ ડીલ સોદો થતો રોકવા અમેરિકા ભારતને બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવા વધુ સારી ઓફર આપી શકે છે. ઉલ્લેખનીય છે કે, આગામી 6 જુલાઈના રોજ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ અને સંરક્ષણ પ્રધાન નિર્માલા સીતારમણ અમેરિકાના પ્રવાસે જશે. જ્યાં ઈન્ડો-યૂએસ દ્વિપક્ષીય ચર્ચા યોજાશે.મળતી માહિતી મુજબ એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કે, આ ચર્ચા દરમિયાન ટર્મિનલ હાઈ એલ્ટીટ્યૂડ એરિયા ડિફેન્સ (THAAD) સિસ્ટમ અંગે વાતચીત કરવામાં આવી શકે છે. આ એક એવી આધુનિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ છે, જે લાંબા અંતરના મિસાઈલ હુમલાને અટકાવવામાં વિશેષરુપે અસરકારક સાબિત થઈ શકે છે.

બીજી તરફ રશિયાની S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ મોટા હવાઈ હુમલા અને વિશેષ કરીને F-18 અને F-35 પ્રકારના ફાઈટર જેટ દ્વારા કરવામાં આવતા હુમલા રોકવા પણ સક્ષમ છે. રશિયામાં બનાવવામાં આવેલા S-400 મિસાઈલ સિસ્ટમના આધુનિક વર્ઝન દ્વારા પણ લાંબા અંતરના હુમલાને રોકી શકાય છે. હવે એ વાત પર નિર્ણય કરવાનો રહેશે કે, ઈન્ટરમીડિએટ અને ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ અમેરિકન THAAD સિસ્ટમ કરતાં પણ વધુ અસરકારક છે અથવા નહીં.

રશિયા સાથે ભારતનો આ સોદો આશરે 39 હજાર કરોડ રુપિયામાં થવાની ધારણા છે. જેને અટકાવવા ટ્રમ્પ પ્રશાસન સક્રિય થયું હોય તેમ લાગી રહ્યું છે. આ સોદો અમેરિકા માટે પણ રાજકીય રીતે ઘણો સંવેદનશીલ મુદ્દો બની ગયો છે. આ અંગે અમેરિકન કોંગ્રેસમાં એક ખરડા પર ચર્ચા પણ કરવામાં આવી રહી છે.